ઝાયડસ કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલ (ANI Photo)

અમદાવાદ સ્થિત ફાર્મા કંપની ઝાયડસ લાઈફ સાયન્સિસે ફ્રાન્સની મેડિલક ટેકનોલોજી કંપની એમ્પ્લિટ્યૂડ સર્જિકલને 256.8 મિલિયન યુરો (અંદાજે રૂ.2450 કરોડ)માં ખરીદવા માટે એક્સક્લુઝિવ નેગોશિએશન ચાલુ કરી હોવાની મંગળવારે જાહેરાત કરી હતી. કંપની આ એક્વિઝન સાથે મેડિકલ ડિવાઇસના વૈશ્વિક બજારમાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે.

ઝાયડસે શેરબજારોને આપેલી નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે એમ્પ્લિટ્યૂડ સર્જિકલમાં 85.6 ટકા હિસ્સો ખરીદવા માટે તેણે એમ્પ્લિટ્યૂડના મેનેજમેન્ટ પીએઆઈ પાર્ટનર્સ અને બે લઘુમતી શેરધારકો સાથે મંત્રણા ચાલી રહી છે.આ હિસ્સો તે 256.8 મિલિયન યુરોમાં ખરીદશે.

એમ્પ્લિટ્યૂડ સર્જિકલ હાઈ-ક્વોલિટી, લોઅર-લિમ્બ (શરીરના નીચેના અંગો સંબંધિત) ઓર્થોપેડિક ટેકનોલોજીમાં યુરોપની મેડિકલ ટેક્નોલોજી ક્ષેત્રની લીડર છે. આ કંપની સંખ્યાબંધ વેલ્યૂ એડેડ ઈનોવેશન્સ કરે છે જે દર્દીઓ, સર્જન ડોક્ટર્સ અને હેલ્થકેર ફેસિલિટીની જરૂરિયાતો પૂરી કરે છે. તેમાં કૃત્રિમ ઘૂંટણ અને થાપાની ડિઝાઈન અને ડેવલપમેન્ટ સહિતનો સમાવેશ છે.

ઝાયડસ લાઈફસાયન્સીસના એમડી શર્વિલ પટેલે કહ્યું હતું કે આ સાથે અમે વૈશ્વિક મેડિકલ ટેક ક્ષેત્રમાં પ્રવેશ કરીશું. અમે ફક્ત દવાઓથી આગળ સેવાઓ પ્રદાન કરવા માંગીએ છીએ, તેથી પછી ભલે તે તબીબી ઉપકરણો હોય જે ખૂબ જ ટેકનોલોજીલક્ષી હોય.

LEAVE A REPLY