ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે રાજધાની લખનૌ નજીકના અકબર નગરમાં કુકરૈલ નદીના કિનારે અતિક્રમણ વિરોધી કાર્યવાહી ચાલુ રાખી 10થી 19 જૂન સુધીમાં 1,200થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુઝડોઝર ફેરવ્યું હતું.
અકબરનગર I અને IIમાં 1,068 ગેરકાયદેસર રહેણાંક અને 101 કોમર્શિયલ બાંધકામો તોડી પાડવા માટે કોર્ટના આદેશ બાદ આ અભિયાન શરૂ કરાયું હતું.
ગયા વર્ષે સરકારે અલ્હાબાદ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે કુકરૈલના નદીના પટ અને કાંઠા પર ઘણા ગેરકાયદેસર બાંધકામો છે અને વોટર ચેનલ સ્વચ્છ રાખવી જરૂરી છે. ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ લાંબા સમયથી કુકરૈલ વોટર ચેનલના કિનારા પર અનધિકૃત રીતે કબજો જમાવી લીધો છે. ઝૂંપડપટ્ટીના તમામ નાળાનો કચરો ગોમતી નદીમાં છોડવામાં આવે છે. તેથી 1158 જેટલા બાંધકામો દૂર કરવા જરૂરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે 6 માર્ચે વિવાદિત જગ્યા ખાલી કરવા માટે લોકોને 31 માર્ચ સુધીનો સમય આપ્યો હતો.
ડિમોલિશન અભિયાન પર હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ ઝૂંપડપટ્ટીના રહેવાસીને વૈકલ્પિક આવાસ આપ્યા વિના બહાર કાઢવો જોઈએ નહીં.