(ANI Photo/WFI)

પેરિસ 2024 ઓલિમ્પિકમાં 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ફાઇનલમાં ગેરલાયક ઠર્યા બાદ ભારતની કુસ્તીબાજ વિનેશ ફોગાટે રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 29 વર્ષીય એથ્લેટને બુધવારે 50 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલના મુકાબલાના કલાકો પહેલા 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. સામાન્ય રીતે 53 કિગ્રા વર્ગમાં ભાગ ભાગ લેતી વિનેશે પેરિસ ગેમ્સ માટે 50 કિગ્રા વજનની કેટેગરીમાં ભાગ લીધો હતો.

ફોગાટે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “કુસ્તી મારી સામે મેચ જીતી ગઈ, હું હારી ગઈ… મારી હિંમત તૂટી ગઈ છે, મારી પાસે હવે વધુ તાકાત નથી. કુસ્તી 2001-2024ને ગુડબાય. હું કાયમ તમારી ઋણી રહીશ.”

ઓલિમ્પિક રેસલિંગ ફાઇનલમાં ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા બન્યા બાદ વિનેશ ઇતિહાસ રચવાની નજીક હતી. તેને સિલ્વર મેડલ નિશ્ચિત કર્યો હતો, પરંતુ ગેરલાયક ઠરતાં તેને સિલ્વર મેડલ પણ નહીં મળે.

ઓલિમ્પિક્સની ફાઇનલ પહેલા માત્ર 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે તે ગેરલાયક જાહેર થતાં કરોડો ભારતીયોના દિલ તૂટી ગયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત દેશની રમત અને રાજકીય જગતની અનેક હસ્તીઓએ વિનેશને ચેમ્પિયન કહીને પ્રોત્સાહિત કરી હતી. વિનેશે ઓલિમ્પિક ફાઈનલમાંથી તેની ગેરલાયકાત સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરી હતી અને માંગ કરી હતી કે તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે.

LEAVE A REPLY