યુકેમાં કામ કરીને સધ્ધર થવા માંગતા લોકોને સ્ટુડન્ટ વિઝા અને અન્ય વર્ક પરમીટ અપાવવાના બહાને ભરતી એજન્ટ તરીકે કામ કરતા વચેટિયાઓએ હજ્જારો લોકો પાસેથી મિલિયન્સ પાઉન્ડ છીનવી લીધા હોવાનું બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે. આવા લોકો કેર ઇન્ડસ્ટ્રીમાં નોકરી ઇચ્છતા યુકે અને અન્ય દેશોના વિદ્યાર્થીઓનો શિકાર કરી વર્ક પરમીટના સ્પોન્સરશિપ પ્રમાણપત્રો માટે £17,000થી £25,000 સુધીની રકમ પડાવતા હોવાનું જાણવા મળ્યું છે.
કરમની કઠણાઇ એ છે કે આમ છતા પણ જ્યારે લોકો સ્કીલ વર્કર વિઝા માટે અરજી કરે છે ત્યારે મોટાભાગના કેસોમાં હોમ ઓફિસ દ્વારા તેમના ડોક્યુમેન્ટ્સ અમાન્ય કે નકલી હોવાને કારણે તેમની અરજી નકારી કાઢવામાં આવે છે. કેટલાય કેસોમાં તો આવા વિદ્યાર્થીઓને સ્પોન્સરશીપ અને વર્કપરમીટ મળ્યા બાદ એક કે બે વર્ષે જે તે કંપની બંધ થઇ જતા ફરીથી વર્ક-પરમીટ કરાવવા માટે બીજા £15,000નો ખર્ચો કરવો પડે છે.
કેર હોમ્સ અને એજન્સીઓ સહિત યુકેના કેર સેક્ટરમાં 2022માં 165,000 જગ્યાઓ ખાલી હતી. જેને ભરવા સરકારે આંતરરાષ્ટ્રીય અરજીઓને મંજૂરી આપતા ભારત, નાઈજીરીયા અને ફિલિપાઈન્સના લોકોને રસ જાગ્યો હતો. યુકે આવતા લોકો માટે લાયક – નોંધાયેલ કેર હોમ અથવા એજન્સી જેવા સ્પોન્સર હોવા આવશ્યક છે. આવા લોકો પાસેથી કોઇ પણ પૈસા ચૂકવાયા વગર નોકરી શોધનારાઓએ તેમની સ્પોન્સરશિપ અથવા વિઝા માટે સ્પોન્સરશિપ મળવી જોઇએ.
વર્ક પરમીટનો રૂટ ખુલ્લો થતા વિદ્યાર્થીઓને ફુલ ટાઈમ કામ મળવાની અને સમય જતા સીટીઝનશીપ મળશે તેવી લાલચ જાગી હતી. જેને કારણે તેઓ વચેટિયાઓના શોષણનો ભોગ બન્યા હતા અને હવે એજન્ટો 2-5 હજાર પાઉન્ડથી શરૂ કરીને યુકેમાં રહેતા લોકો પાસેથી £15,000 અને વિદેશમાં રહેતા લોકો પાસેથી £25,000 સુધી પડાવી રહ્યા છે.
પણ હવે સ્પોન્સરશીપ રદ થતા, પૂરતા કલાકોનું કામ ન મળતા અને બે ટંક ખાવાના ફાંફા પડતા વિદ્યાર્થીઓ કાયદેસર રીતે યુકેમાં રહેવાના ઘણા પ્રયત્નો પછી પણ સફળતા ન મળતા હતાશ થયા છે. તો બીજી તરફ સરકારે હવે આવા લોકોને તેમના મૂળ દેશમાં પાછા મોકલવાનું શરૂ કર્યું છે.
ઘણાં લોકોએ કેર હોમ કે લોકોના ઘરે જઇને સંભાળ લેવાની વર્ક પરમીટ પેટે 10-15 હજાર પાઉન્ડ ચૂકવ્યા બાદ પણ તેમને 40 કલાકનું કામ નહિં અપાતું હોવાની, નોકરી નહિં આપવામાં આવતી હોવાની ફરિયાદો કરી છે. હવે તે લોકો એજન્ટોને ફોન કરે છે તો એજન્ટ તેમના ફોન બ્લોક કરી દે છે. વળી આ લોકોએ રોકડ રકમ આપી હોવાથી તેઓ પોલીસ ફરિયાદ પણ કરી શકતા નથી.
આવા લોકોએ પોતાના માતા – પિતા કે સાસરીયાની જમીનો વેચીને, પેન્શનની ફિક્સ ડીપોઝીટ તોડીને કે ઘર – દાગીના વેચીને આ રકમો એજન્ટને ચૂકવી હોવાથી તેઓ કફોડી સ્થિતીમાં મૂકાયા છે.
આ એજન્ટો રોકડ રકમ લેતા પહેલા ખૂબ જ નમ્ર હોય છે અને જેમને વર્કપરમીટ અપાવી હોય તેવા લોકોના ઈમેલ, પત્રો અને વિઝાની નકલો બતાવે છે અને પૈસા મળી ગયા બાદ ઓળખવાનો પણ ઇન્કાર કરી દે છે. નીલા હોય કે નાદીયા કે નેહા, આ લોકોનું જીવન બરબાદ થઈ ગયું છે. બીજી તરફ તેમને લુંટનારા સ્કેમર્સ પૂરાવાના અભાવે આજે પણ મુક્ત ફરે છે. તેમને કોઈ ડર નથી.
બીબીસીને જાણવા મળ્યું છે કે એક સમયે વુલ્વરહેમ્પટનમાં રહેતો અને બર્મિંગહામમાં કામ કરતો પાકિસ્તાની નાગરિક તૈમૂર રઝા એક વિઝા નેટવર્કમાં ટોચ પર છે. રઝાએ કુલ £1.2 મિલિયનમાં 141 વિઝા દસ્તાવેજો વેચ્યા હતા. મુઠ્ઠીભર વિદ્યાર્થીઓએ વિઝા અને નોકરીઓ મળી હતી. પરંતુ ઘણા લોકોએ કામ ન લાગે તેવા ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે તેમની જીવનભરની બચત ગુમાવી પણ હતી.
તૈમૂર રઝા સ્પોન્સરશિપ દસ્તાવેજોને પીડીએફ ફાઇલ તરીકે વોટ્સએપ પર મોકલતો હતો. તેણે મોકલેલા દસ્તાવેજોના આધારે 86 લોકોની અરજી હોમ ઑફિસે અમાન્ય કરી હતી. જ્યારે 55 લોકોએ સફળતાપૂર્વક વિઝા મેળવ્યા હતા. પરંતુ તે લોકોને જે કેર હોમ્સ સાથે કામ કરવાનું વચન આપવામાં આવ્યું હતું તે કેર હોમ્સે જણાવ્યું હતું કે તેમની પાસે વ્યવસ્થાનો કોઈ રેકોર્ડ નથી.
તેણે કંઈપણ ખોટું કર્યાનો ઇનકાર કરી કેટલાક વિદ્યાર્થીઓને પૈસા પાછા ચૂકવ્યા છે. રઝાએ ધંધાનો વ્યાપ વધારવા વેસ્ટ મિડલેન્ડ્સમાં ઓફિસો ભાડે લઇને સ્ટાફ રાખી ડઝનેક વિદ્યાર્થીઓને કેર હોમ અને એમ્પલોયમેન્ટ સ્પોન્સરશિપમાં કામ આપવાનું વચન આપ્યું હતું.
બીબીસીએ વર્ક વિઝા મેળવવાના પ્રયાસમાં હજારો પાઉન્ડ ગુમાવનાર 17 પુરૂષો અને સ્ત્રીઓ સાથે વાત કરી હતી. ત્રણ મહિલા વિદ્યાર્થીઓએ તો વિવિધ એજન્ટોને કુલ £38,000 ચૂકવ્યા હતા. તેમને વતન ભારતમાં સ્વપ્ન વેચવામાં આવ્યું હતું કે તેઓ ઇંગ્લેન્ડમાં તેમનું નસીબ બનાવી શકશે. પણ તેઓ પાયમાલ થઈ ગયા હતા અને હવે પરિવારોને ઘરે પાછા જવા માંગે છે તે કહેવામાં પણ ખૂબ ડરે છે.
બીબીસીએ ડિસેમ્બર 2023થી પાકિસ્તાનમાં રહેતા તૈમૂર રઝાનો સંપર્ક કરતા તેણે જવાબ આપ્યો હતો કે વિદ્યાર્થીઓના દાવા “ખોટા” અને “એકતરફી” હતા અને તેણે તેના વકીલોનો સંપર્ક કર્યો હતો. તેણે ઇન્ટરવ્યુ માટેની બીબીસીની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.
રઝા માટે વિદ્યાર્થીઓને તેમના કાગળમાં મદદ કરવા માટે કામ શરૂ કરનાર અજય થીંદે જણાવ્યું હતું કે ‘’તેને કેર વર્કર વિઝા માટે £16,000 ચૂકવ્યા પછી રઝા માટે કામ કરવા માટે ભરતી કરાયો હતો. હું છ લોકોમાં સામેલ હતો જેમને ડોક્યુમેન્ટનું સંકલન કરવા અને અરજદારોના ફોર્મ ભરવા અઠવાડિયામાં £500-£700 પગાર ચૂકવાતો હતો. રઝાએ ઓફિસો ભાડે લીધી હતી અને તેમની ટીમને દુબઈની ટૂર પર પણ લઈ ગયો હતો. મારા બોસ રઝા અસંખ્ય એજન્સીઓ સાથે કામ કરતા હતા અને તેથી આંકડો £1.2m કરતા ઘણો વધારે હોવાની શક્યતા છે.’’
એપ્રિલ 2023માં કેટલાક મિત્રો સહિતના લોકોની અરજીઓ હોમ ઓફિસ દ્વારા નકારી કાઢવામાં આવતા અજયે રઝાને ફરિયાદ કરી હતી. જેના જવાબમાં રઝાએ પોતે સંભાળી લેશે એમ કહ્યું હતું.
વર્ક રાઇટ્સ સેન્ટરના ઇમિગ્રેશન વડા લ્યુક પાઇપરે જણાવ્યું હતું કે “ઘણા લોકો પોલીસ પાસે જતા નથી કારણ કે તેઓ હોમ ઑફિસ અને રિપોર્ટિંગના પરિણામોથી ડરી ગયા છે. તેના બદલે, સેંકડો પીડિતો – લોકો વેસ્ટ મિડલેન્ડ્સ – સ્મેથવિકમાં ગુરુદ્વારા બાબા સાંગ જી પાસે મદદ માંગે છે. સરકારે પીડિતોને ટેકો આપવાની જરૂર છે અને હોમ ઑફિસ તરફથી સલામત રિપોર્ટિંગનું માળખું બનાવાય તે જરૂરી છે.’’
ગુરૂદ્વારાને નેતાઓએ નવેમ્બર 2023માં રઝાને એક મીટિંગમાં બોલાવતા તે પૈસા પાછા આપવા અને તેની પ્રવૃત્તિઓ બંધ કરવા સંમત થયો હતો.
ગુરુદ્વારાનું શીખ એડવાઇઝ સેન્ટર હરમનપ્રીત નામની મહિલાના પૈસા પાછા મેળવવામાં સફળ થયું હતું. એક સમયે તો તે આત્મહત્યાની અણી પર આવી ગઇ હતી. પણ સેન્ટરની સલાહથી તેનુ અને તેની પુત્રીનું ફરીથી જીવન ફરી શરૂ થયું હતું.
શીખ એડવાઇઝ સેન્ટરના મોન્ટી સિંહે કહ્યું હતું કે ‘’સેંકડો લોકોએ મદદ માટે અમારો સંપર્ક કર્યો હતો. અમે 2022માં સોશિયલ મીડિયા દ્વારા લોકોનો સંપર્ક કરી મદદ કરવાનું અને લોકો પર વિશ્વાસ ન કરવા ચેતવણી આપી છે. આ એજન્ટો પિરામિડ સ્કીમની જેમ કામ કરે છે. ત્યાં ઘણા નાના ટીમ લીડર અને એજન્ટો છે અને તેમાંથી કેટલાકને કમિશન મળે છે. કેટલાક નાના એજન્ટો હેરડ્રેસર અને બસ ડ્રાઈવર પણ હતા. પોલીસ અને ઇમિગ્રેશન અધિકારીઓની કડક કાર્યવાહી જ વિઝાના ગેરકાયદે વેપારને અટકાવશે.’’
શીખ એડવાઇઝ સેન્ટર અન્ય ગુરુદ્વારાઓ સુધી કામગીરીને વિસ્તારવાની આશા રાખે છે અને ભારતમાં લોકોને અભ્યાસ અથવા કામ માટે તેમનો દેશ છોડતા પહેલા તેઓ જે જોખમો લે છે તેના વિશે શિક્ષિત કરવાનું પણ શરૂ કર્યું છે. હવે એડવાઇઝ સેન્ટરે કેસ નેશનલ ક્રાઈમ એજન્સીને સોંપી દીધો છે.
મોન્ટીની સાથે કામ કરતા જસ કૌરે જણાવ્યું હતું કે સરકારે આ બાબતે ધાર્મિક નેતાઓનો સંપર્ક કરવો જોઈએ. જો તમે જમીન પરના લોકો સાથે વાત નથી કરતાં, તો તમને ખબર જ નહિ પડે કે ખરેખર શું થઈ રહ્યું છે.”
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “છેતરપીંડી કરીને કરાતી વિઝા અરજીઓને ઓળખવા અને અટકાવવા માટે કડક પ્રણાલીઓ છે અને દરેકે જાણવું જરૂરી છે કે જો તેમનું સ્પોન્સરશિપ પ્રમાણપત્ર સાચું નથી, તો તેઓ સફળ થશે નહીં. અમે અનૈતિક કંપનીઓ અને એજન્ટો સામે સખત પગલાં લેવાનું ચાલુ રાખીશું જેઓ વિદેશી કામદારોનો દુરુપયોગ, શોષણ અથવા છેતરપિંડી કરવા માંગે છે.”
* અહેવાલમાં કેટલાક નામ બદલવામાં આવ્યા છે
વર્ક વિઝાની અરજીઓમાં છ ગણો વધારો
યુકે વર્ક વિઝા મેળવવા માટે વિદ્યાર્થીઓની અરજીઓમાં છ ગણો વધારો થયો છે. જૂન 2022થી જૂન 2023 ની વચ્ચે 26,000થી વધુ લોકોએ અરજીઓ કરી છે. જે તેના એક વર્ષ પહેલા માત્ર 3,966 હતી. ગયા વર્ષે જુલાઈમાં, હોમ ઑફિસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કરતા પહેલા વર્ક વિઝા મેળવતા રોકવા માટે નિયમોમાં સુધારો કર્યો હતો.