જ્યોર્જિયામાં એક અનોખી ઘટનામાં 38 વર્ષીય ક્રીસ્ટેના મુરે નામની મહિલાએ એક ફર્ટિલિટી ક્લિનિક સામે કેસ કર્યો હતો. આ ઘટનામાં એક ગરબડના કારણ તે મહિલાએ એક એવા બાળકને જન્મ આપ્યો હતો જેનો તેની સાથે કોઇ જૈવિક સંબંધ નહોતો. એકલી રહેતી મુરે બે વર્ષ અગાઉ IVF સારવાર દ્વારા ગર્ભવતી થઈ હતી અને ડિસેમ્બર 2023માં તેણે એક તંદુરસ્ત અશ્વેત પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, તેને તરત જ જણાયું હતું કે, આ બાળક તેનું નથી. તે પોતે શ્વેત હોવાથી તેણે બાળક માટે સમાન લક્ષણો ધરાવતા શ્વેત દાતાના શુક્રાણુ સ્વીકારવાનું પસંદ કર્યું હતું. ક્લિનિકની ભૂલ હોવા છતાં આ મહિલાએ અનેક મહિનાઓ સુધી બાળક પ્રત્યે પ્રેમ દાખવીને તેની સંભાળ રાખી હતી. વોશિંગ્ટન પોસ્ટના રીપોર્ટ મુજબ, તેને અંતે તે બાળકને તેના જૈવિક માતા-પિતાને સોંપવાની ફરજ પડી હતી, જેના કારણે તે “ભાવનાત્મક રીતે ભાંગી પડી” હતી.
આ મહિલાએ કોસ્ટલ ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ્સ સામે કેસ કરીને ક્લિનિક પર બેદરકારીનો આરોપ મુક્યો છે. જેના કારણે તેને સતત માનસિક અને શારીરિક તકલીફ પડી રહી છે. તાજેતરમાં દાખલ કરાયેલી 41 પાનાની ફરિયાદમાં તેના વકીલોએ જણાવ્યું છે કે, “તેણે ત્યારથી એ બાળકને જોયું નથી.”
આ કાર્યવાહીના જવાબમાં, કોસ્ટલ ફર્ટિલિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇઝાબેલ બ્રાયને ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે, “અમે એક અભૂતપૂર્વ ભૂલને કારણે થયેલી તકલીફ માટે ખૂબ જ દુઃખી છીએ. આ ભૂલના કારણે ગર્ભને તબદિલ કરવામાં ગરબડ થઈ હતી અને તેથી એક તંદુરસ્ત બાળકનો જન્મ થયો હતો. અમે પીડિત પરિવારોની સ્થિતિને સારી રીતે જાણીએ છીએ અને અમે દિલથી માફી માગીએ છીએ.”

LEAVE A REPLY