અમેરિકામાં ટ્રમ્પ અને જે. ડી. વાન્સના સોમવારે શપધવિધિ સાથે ફરી ટ્રમ્પ યુગનો આરંભ થયો હતો. ટ્રમ્પે જે મહત્ત્વના ચૂંટણી વચનો આપ્યા હતા અને ચૂંટાયા પછી જાહેરાત કરી હતી તેવા અનેક એક્ઝિક્યુટીવ આદેશો ટ્રમ્પે શપથ લીધા પછીની થોડી પળોમાં વ્હાઈટ હાઉસમાં જઈને જારી કર્યા હતા.
ટ્રમ્પની ગેરકાયદે ઈમિગ્રેશન સામેની સૌથી મોટી તવાઈના નિર્ણયથી હાલ તો ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ ના હોય તેવા પણ સંખ્યાબંધ લોકો, ખાસ કરીને એચ-1બી વિઝા ઉપર અમેરિકા ગયેલા લોકોના ત્યાંના વસવાટ દરમિયાન જન્મેલા સંતાનો ઉપર તેમના સ્ટેટસની અનિશ્ચિતતાની તલવાર તોળાઈ રહી છે. જન્મના આધારે અમેરિકાનું નાગરિકત્વ બંધ કરવાના ટ્રમ્પના ફરમાનથી આવા પરિવારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. આવા અસર પામેલા લોકોમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી હોવાની શક્યતા છે.
