
ભારતના એવિયેશન ક્ષેત્રમાં એક મોટા કોન્સોલિડેશનમાં એર ઇન્ડિયાએ 12 નવેમ્બરે ફુલ સર્વિસ એરલાઇન્સ વિસ્તારાને તેની સાથે મર્જ કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી. આની સાથે એર ઇન્ડિયાએ છ સપ્તાહના ટૂંકા ગાળામાં ગ્રુપ એરલાઇનનું બીજું મર્જર સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. અગાઉ પહેલી ઓક્ટોબર 2024ના લો કોસ્ટ એરલાઇન્સ એર ઇન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ (અગાઉનું નામ એર એશિયા ઇન્ડિયા)નું એર ઇન્ડિયા સાથે મર્જર થયું હતું.
એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસ્તારાના સંચાલકીય સંકલન અને કાનૂની મર્જરની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે મર્જ્ડ કંપની 90થી વધુ ડેસ્ટિનેશનને જોડતી 5,600થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સનું સંચાલન કરશે. અગાઉ પહેલી ઓક્ટોબર 2024ના રોજ ગ્રુપની લો કોસ્ટ એરલાઇન્સ એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ (અગાઉ એર એશિયા ઈન્ડિયા)નું મર્જર થયું હતું.
એર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે આ મર્જરની સાથે એર ઈન્ડિયા ગ્રૂપના કોન્સોલિડેશન અને પુનર્ગઠન તબક્કો પૂરો થયો છે અને તેથી તે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના છે. છેલ્લા બે વર્ષોમાં ચાર એરલાઇન્સની ટીમોએ એકજૂથ થઈને કામગીરી કરી હતી.
વિલીનીકરણ પછી એર ઈન્ડિયા ગ્રુપમાં 300 વિમાનાનો કાફલો થયો છે. ગ્રુપ હવે 312 રૂટ સાથે 55 ડોમેસ્ટિક અને 48 ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન પર સર્વિસ ઓફર કરે છે. તેની વીકલી ફ્લાઇટ્સની સંખ્યા 8,300 થઈ છે. કુલ સ્ટાફ પણ વધીને 30,000 થયો છે.
નવી ફુલ-સર્વિસ એરલાઇન એર ઈન્ડિયા 208 વિમાનોના કાફલા સાથે 5,600થી વધુ સાપ્તાહિક ફ્લાઈટ્સનું સંચાલન કરે છે તથા 90થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડે છે.લો કોસ્ટ કંપની એર ઇન્ડિયા એક્સપ્રેસ 90 વિમાનોના કાફલા સાથે સાપ્તાહિક 2,700 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે અને 45થી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનને કનેક્ટ કરે છે.
