(ANI Photo)

મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને હટાવવાના મુદ્દે મહારાષ્ટ્રના નાગપુરમાં અનેક વિસ્તારોમાં હિન્દુ સંગઠનોના વિરોધી દેખાવો પછી હિંસા ભડકી ઉઠી હતી. આ હિંસામાં અનેક ઘરો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સોમવારે સાંજે મધ્ય નાગપુરમાં ફાટી નીકળેલી હિંસામાં ત્રણ ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ) સહિત બાર પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.પોલીસે હિંસાના સંબંધમાં 15 લોકોની ધરપકડ કરી છે.

આ હિંસાનું મૂળ કારણ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીનું  ઔરંગઝેબની પ્રશંસા કરતું નિવેદન હતું. આ નિવેદન પછી હિન્દુ સંગઠનો અબુ આઝમીનો જોરદાર વિરોધ કર્યો હતો અને તે પછી મહારાષ્ટ્રમાંથી ઔરંગઝેબની કબરને દૂર કરવાની માગણી સાથે ઉગ્ર દેખાવો કર્યા હતાં.

છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં સ્થિત ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે હિન્દુવાદી સંગઠનોના વિરોધ પ્રદર્શન દરમિયાન એક સમુદાયના પવિત્ર પુસ્તકને બાળી નાખવામાં આવ્યું હોવાની અફવા ફેલાઈ હતી. તેનાથી મુસ્લિમ પણ ઉશ્કેરાયા હતા. સોમવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ મધ્ય નાગપુરના ચિટનીસ પાર્ક વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

રાત્રે ૧૦.૩૦થી ૧૧.૩૦ વાગ્યાની વચ્ચે જૂના ભંડારા રોડ નજીક હંસાપુરી વિસ્તારમાં ફરી એક અથડામણ થઈ હતી. બેકાબૂ ટોળાએ અનેક વાહનોને બાળી નાખ્યા હતાં અને આ વિસ્તારમાં ઘરો અને એક ક્લિનિકમાં તોડફોડ કરી હતી. કોતવાલી, ગણેશપેઠ, તહેસીલ, લક્કડગંજ, પચપૌલી, શાંતિ નગર, સક્કરદરા, નંદનવન, ઇમામબાડા, યશોધરા નગર અને કપિલ નગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

રાજ્ય વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમની સરકારને નાગપુરમાં થયેલી હિંસા માટે જવાબદાર ઠેરવી હતી, જે મુખ્યમંત્રીનું વતન છે.દરમિયાન, મુખ્યમંત્રી ફડણવીસ અને નાગપુરના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી હતી.

LEAVE A REPLY