યુકેના નેટવર્ક રેલ દ્વારા સંચાલિત લગભગ 19 રેલ્વે સ્ટેશનો પરના સાર્વજનિક વાઇ-ફાઇ નેટવર્કને હેક કરવામાં આવતા બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (બીટીપી)એ સાયબર હુમલાની તપાસ આદરી હતી.
નેટવર્ક રેલે જણાવ્યું હતું કે લંડન યુસ્ટન અને પેડિંગ્ટન, માન્ચેસ્ટર પિકાડિલી, લિવરપૂલ લાઇમ સ્ટ્રીટ, બર્મિંગહામ ન્યૂ સ્ટ્રીટ, એડિનબરા વેવરલી અને ગ્લાસગો સેન્ટ્રલ સહિત લંડનના સંખ્યાબંધ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્ટેશનો પરના વાઇ-ફાઇ પર લૉગ ઇન કરવાનો પ્રયાસ કરનાર મુસાફરોને યુરોપમાં આતંકવાદી હુમલાઓ વિશેના સંદેશ સાથે સ્ક્રીન દેખાતી હતી.
પ્રવક્તાએ જણાવ્યું હતું ks ‘’આ ઓટોમેટિક સેવા સાથે સરળ ક્લિક કરતાં કનેક્ટ થવાય છે જે કોઈપણ વ્યક્તિગત ડેટા એકત્રિત કરતી નથી. અંતિમ સુરક્ષા તપાસ પૂર્ણ થઈ જાય પછી વિકેન્ડ સુધીમાં સેવા પુનઃસ્થાપિત કરવામાં આવશે.”
આ મહિનાની શરૂઆતમાં, ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) પર સાયબર એટેક કરાયો હતો જેમાં ગ્રાહકોની વિગતોનો સંભવિત ભંગ થવાની આશંકા છે. વોલ્સલ, વેસ્ટ મિડલેન્ડ્સના એક કિશોરની TfL હેકના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.