રિશિ કપૂર અને નીતુ સિંઘનો લાડલો રણબીર બોલીવૂડમાં ચોકલેટીબોય-લવરબોય જેવા ઉપનામોથી જાણીતો છે. જોકે, અગાઉ અક્ષયકુમાર પણ આવી જ ઇમેજ ધરાવતો હતો. ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન પછી અક્ષયના જૂના સંબંધોની ખાસ ચર્ચા થતી નથી, પરંતુ રણબીર અને આલિયાના લગ્નને વધારે સમય થયો નથી. અગાઉ રણબીર કપૂરે પોતે સ્વીકાર્યું હતું કે, ભૂતકાળમાં બે સુંદર અભિનેત્રીઓ સાથે ડેટિંગના કારણે તેને લોકો ચીટર કહેતા હતા.
‘એનિમલ’ની સફળતા પછી રણબીર કપૂરે સફળ અભિનેતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. રણબીરનું નામ અગાઉ જેની સાથે જોડાયું હતું, તે બંને અભિનેત્રીઓ પણ મોખરાનું સ્થાન ધરાવે છે. રણબીર કપૂરે દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સાથે લાંબો સમય ડેટિંગ કર્યું હોવાનું કહેવાય છે. લગ્ન અગાઉ રણબીરનું અંગત જીવન ખૂબ જ ચર્ચામાં હતું અને અનેક અભિનેત્રીઓ સાથે તેનું નામ જોડાયું હતું. રણબીરે નિખિલ કામથના પોડકાસ્ટ એપિસોડમાં અંગત જીવન અંગે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં બે સફળ અભિનેત્રીઓ સાથે અફેરના કારણે તેની ઈમેજ ચીટર અને કાસાનોવા જેવી થઈ હતી.
જોકે, હવે એ વાત જૂની થઈ છે અને તે પોતાના સંસારમાં જીવી રહ્યો છે. એપ્રિલ 2022માં આલિયા સાથે લગ્ન પછી રણબીર જવાબદાર બની ગયો છે અને દીકરી રાહાના જન્મ પછી જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યાં હોવાનું રણબીરે પણ સ્વીકાર્યું હતું. રાહાની વાત કરતાં રણબીરે કહ્યું, કોઈએ કાળજું બહાર કાઢીને હાથમાં આપી દીધું હોય તેવું લાગે છે. આ પોડકાસ્ટમાં થોડા સમયમાં આખો એપિસોડ દર્શાવવામાં આવશે. તેમાં રણબીરે અંગત જીવન વિશે જણાવ્યું છે.