(ANI Photo)
પૂ. મોરારિબાપુ
ગોસ્વામીજીનું દૃઢ માનવું છે કે જીવ ક્યાંય પણ જાય પરંતુ કર્મ એનો પીછો કરે છે. કર્મ જીવનું જરાય તાડન ન કરી શકે એટલા માટે જીવનું કર્તવ્ય છે કે એ ઋષ્યમૂક પર ચાલ્યો જાય. ઋષ્યમૂક પર્વતનો અર્થ છે સત્સંગ. સત્સંગની ઊંચાઈ છે સાધુસંગ. ઋષ્યમૂક પર્વતનો અર્થ કરો તો ઋષિનું મુખ. ઋષિનું મુખ એટલે સદ્દ્વચન. જ્યાં સદ્દ્વાર્તા થતી હોય, સદ્દ્કથા થતી હોય, સદ્દ્ચર્ચા થતી હોય, સદ્દ્સંવાદ થતો હોય એવી મહેફિલમાં જવું એટલે કર્મથી બચવું.
અને આ પ્રવૃત્તિઓ, આપણાં કર્મો, આપણી આધિ-વ્યાધિઓ અને ઉપાધિઓ; આપણે જીવ છીએ,અનેક પ્રકારની સમસ્યાઓ આપણી પાછળ દોડી રહી છે, પરંતુ જો આપણે સત્સંગમાં ચાલ્યા જઈએ છીએ તો ત્યાં કર્મરૂપી વાલિ નથી આવી શકતો. જ્યાં સુધી આપણે અહી કથાના હોલમાં છીએ ત્યાં સુધી કર્મ નથી આવતું. કેમ કે આપણે ઋષ્યમૂકમાંથી નીકળીએ છીએ ત્યાં જ આપણી પ્રવૃત્તિઓનો વાલિ આપણને પકડી લે છે ! અને નિરંતર સત્સંગમાં બેસી રહેવાનું પણ આપણા માટે સંભવ નથી. કેમ કે આપણા બધાની પ્રવૃત્તિઓ છે. આપણે દેશ-કાળ આધીન છીએ. પરંતુ માણસ જેટલો સત્સંગમાં જીવે એટલો કર્મથી બચી શકે. અને સત્સંગનો મતલબ એવો નથી કે મોરારિબાપુ બોલે અને તમે સાંભળો.
મરીઝસાહેબનો એક ગુજરાતી શે’ર છે-
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
દિલવાળા માત્ર બે જણા મળી જાય તો પણ એક મહેફિલ છે. અને દિલ વગર લાખો મળે તો પણ એને સભા નથી કહેવાતી. મારાં યુવાન ભાઈ-બહેનો, જીવ પાસે ઉચ્છા છે, પરંતુ સામર્થ્ય નથી. આપણે જીવ છીએ. આપણી પાસે ઈચ્છાઓ ઘણી છે પરંતુ સામર્થ્ય નથી કે આપણે હર ઈચ્છા પૂરી કરી શકીએ ! પરમાત્મા પાસે સામર્થ્ય છે પરંતુ ઈચ્છા નથી. પરમાત્મા એને કહેવાય છે, જેનામાં ઈચ્છાનો નિતાંત અભાવ છે અને સામર્થ્ય ભરપૂર છે. અને આપણે એવા છીએ કે આપણી પાસે ઈચ્છાઓ ઘણી છે, સામર્થ્ય બિલકુલ નથી !
કથા ઈચ્છા અને સામર્થ્યને ભેગાં કરી દે છે. અને ત્યારે જીવનના રસમાં આપણે ડૂબી જઈએ છીએ. સુગ્રીવમાં ઈચ્છા ઘણી છે,સામર્થ્ય નથી. રામમાં સામર્થ્ય ઘણું છે પરંતુ જો રામને બ્રહ્મ સમજો તો રામમાં કોઈ ઈચ્છા નથી. અને અહીં ઋષ્યમૂક પર્વત પર જે મિલન થવાનું છે એમાં ઈચ્છાગ્રસ્ત જીવ અને સામર્થ્યમયી શિવનું મિલન છે. પરંતુ એમાં વચ્ચે મિલન કરાવનારા કોઈ હનુમાન જોઈએ.
અને હનુમાનને હું કહું છું બુદ્ધપુરુષ. અને હનુમાનતત્વને કહું છું સદ્દ્ગુરુ. ઘણાં લોકો કહે છે કે ગુરુની જરૂર નથી. જેમને જરૂર ન હોય એમને ઠીક છે. હું ત્રણ વસ્તુ તમને કહું. તમારી કોઈ પણ ઈચ્છા ન હોય તો તમારે ગુરુની કોઈ જરૂર નથી. તમારામાં વિષયની કોઈ કામના ન હોય તો તમારે ગુરુની જરૂર નથી. અને તમે પૂર્ણ નિર્ભીક હો તો તમારે ગુરુની જરૂર નથી. હું બહુ જવાબદારી સાથે કહી રહ્યો છું. સુગ્રીવને હનુમાનની જરૂર છે કેમ કે સુગ્રીવ નિર્ભીક નથી, સુગ્રીવ નિર્વિષયી નથી અને સુગ્રીવ ઈચ્છામુક્ત નથી. જો જીવ અભય હોય, નિર્વિષયી હોય,  ઈચ્છાથી મુક્ત હોય તો ગુરુની જરૂર નથી.
મારાં ભાઈ-બહેનો, આપણે ભયભીત છીએ, વિષયી છીએ. આપણી નબળાઈઓની કોઈ સીમા નથી. એટલા માટે આપણે કોઈ બુદ્ધપુરુષની જરૂર છે. સુગ્રીવ પ્યારો લાગે છે. એનામાં નબળાઈઓ હોવા છતાં કાળા આકાશમાં થોડી વીજળી ચમકી રહી છે. એ બિચારો જુએ છે પરંતુ નિર્ણય નથી કરી શકતો તો વિચાર્યું, હવે હું મારા ગુરુની આંખો પર ભરોસો કરું. હે હનુમાનજી, આપ બ્રહ્મચારીનું રૂપ લઈને જાઓ અને એ કોણ છે એનો પરિચય કરો. હું ઈશ્વરને નથી ઓળખી શકતો; મારા ગુરુ મને ઓળખ કરાવી દે. ગુરુતત્વ બહુ જરૂરી છે.
સંકલન : જયદેવ માંકડ
(માનસ કિષ્કિન્ધાકાંડ,અબુ  ધાબી,યુ.એ.ઈ.-૨૦૧૬)

LEAVE A REPLY