નેટફ્લિક્સ ફિલ્મ 'ધ આર્ચીઝ' ના કલાકારો, જેમાં સુહાના ખાન, ખુશી કપૂર, અગસ્ત્ય નંદા અને અન્ય(ANI Photo)

બોલીવૂડમાં જુના કલાકારો પોતાના સંતાનોને ફિલ્મોમાં લાવવા માટે તે પ્રથમ ફિલ્મથી જ છવાઇ જાય તેવી વાર્તા પસંદ કરીને તેમની કારકિર્દીની શરૂઆત કરાવતા હતા. રિતિક રોશનનું 2000માં જ્યારે કહોના પ્યાર હે..થી બોલીવૂડમાં ધમાકેદાર પદાર્પણ થયું ત્યારથી તે સ્થાપિત છે. આલિયા ભટ્ટે જ્યારે સ્ટુડન્ટ ઓફ ધ યરથી ફિલ્મોમાં કારકિર્દી શરૂ કરી ત્યારે તેની પાસે ઘણી અપેક્ષાઓ હતી. ફિલ્મી પરિવારમાંથી આવતા આવા સંતાનોનું એકમાત્ર સપનું હોય છે, મોટા પડદે એન્ટ્રી કરવાનું અને પછી એ ફિલ્મને બ્લોકબસ્ટર ઓપનિંગ મળે. પરંતુ વર્તમાન સમયમાં ડિજિટલ પ્લેટફોર્મમાં તેનું અનુમાન પણ બદલાયું છે.

આવા આધુનિક પ્લેટફોર્મ પર ડેબ્યુ કરનારા સ્ટાર કિડ્ઝમાં સુહાના શાહરુખ ખાનથી શરૂ કરીને, ખુશી બોની કપૂર, અગત્સ્ય નંદાથી શરૂઆત કરીએ તો આ સ્ટાર કિડ્ઝે ઝોયા અખ્તરની ઓટીટી ફિલ્મ ધ આર્ચિઝથી કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર પછી આમિર ખાનના પુત્ર જુનૈદ ખાને મહારાજ ફિલ્મથી પોતાની સફરની શરૂઆત કરી, છેલ્લે તાજેતરમાં સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહીમ અલી ખાને નાદાનિયાંથી ડેબ્યુ કર્યું છે. તેમાં તેની સાથે ખુશી કપૂર છે, આ તેની બીજી ડિજિટલ ફિલ્મ છે. આવા મોટાભાગના કલાકારો સિનેમાને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર શરૂઆત કરવાનું પસંદ કરે છે. એટલે કે, તેઓ મોટા પડદા માટે તૈયાર નથી કે પછી તેઓ કારકિર્દીમાં અન્ય સ્ટાર કિડ્ઝ કરતાં વધારે સલામત વિકલ્પથી આગળ વધવા ઇચ્છે છે.

નવા કલાકારો માટે ડિજિટલ પ્લેટફોર્મ વધુ સુરક્ષિત માધ્યમ છે. થીએટર રિલીઝમાં જ્યાં સફળતા બોક્સ ઓફિસના આંકડાથી માપવામાં આવે છે, તેનાથી વિપરીત, ડિજિટલ પ્લેટફોર્મ પર તાત્કાલિક નિષ્ફળ જવાનો કોઈ ખાસ ડર રહેતો નથી. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું, “ફિલ્મ સાથે સંકળાયેલાં દરેક વ્યક્તિ પર ઘણું દબાણ હોય છે, ખાસ તો મોટા પડદાં પર આવતા નવા કલાકારો પર. ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવું વધુ સુરક્ષિત રહે છે કારણ કે એમાં ફિલ્મ લાંબા સમય સુધી ઉપલબ્ધ રહે છે.” જો ફિલ્મ સારી ન ચાલે તો પણ સમયાંતરે ફિલ્મને દર્શકો મળી રહે છે. થીએટરમાં જો ફિલ્મ ફ્લોપ ગઈ તો તમારી કારકિર્દી તરત જ ખતમ થઈ જશે. ડિજિટલ પ્લેટફોર્મ સાથે ટેલેન્ટને મંચ આપવાનો દૃષ્ટિકોણ પણ બદલાયો છે. સાથે ડિજિટલ પ્લેટફોર્મના કન્ટેન્ટને લોકો ખુલ્લા મને સ્વીકારે પણ છે, સાથે જ નવા કલાકારો એક જ પ્રોજેક્ટમાં ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચી જાય છે.

બોક્સ ઓફિસના દબાણથી બચી શકાય

સ્ટાર કિડ્ઝને આમ પણ સોશિયલ મીડિયા પર ઘણી ટીકાનો સામનો કરવો પડે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર જેને ઇચ્છા ન હોય એ ન જુએ. તો ટીકાથી થોડું બચી શકાય છે. જેમકે તરણ આદર્શના મતે જો નાદાનિયાં મોટા પડદે આવી હોત તો ભયંકર નિષ્ફળ રહી હોત અને સૌથી વધુ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હોત. ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાના કારણે સોશિયલ મીડિયા પર ટીકા તો ટાળી શકાશે નહીં પરંતુ બોક્સ ઓફિસના દબાણથી બચી શકાય છે.

નવા કલાકારોને વધુ તકો મળે છે

આ પ્લેટફોર્મ ખૂબ જ વૈવિધ્યસભર છે, જે બોલીવૂડના મેઇનસ્ટ્રીમમાં શક્ય નથી. ડિજિટલ પ્લેટફોર્મ એ ફિલ્મની વાર્તા કહેવાની શૈલી અને વિવિધ પ્રકારની ફિલ્મને અલગ રીતે રજૂ કરવાની છૂટ આપે છે. તેથી નવા કલાકારોને ગંભીર ભૂમિકા ભજવવાની અને અલગ ઓળખ ઊભી કરવાની તક મળે છે. જ્યારે થીએટરમાં તો લોકોને આકર્ષે તેવા વિષયોમાં જ કામ કરવું પડે છે.

નિર્માતા-રોકાણકારોનો નિર્ણય હોય છે

એવું જરૂરી નથી કે આ જ એક વિકલ્પ છે અને આવું ઇરાદાપૂર્વક પણ થતું નથી, પરંતુ ફિલ્મના નિર્માતાઓ અને રોકાણકારોનો આ નિર્ણય હોય છે. કેટલીક ફિલ્મ આવા પ્લેટફોર્મ પર રિલીઝ કરવી જરૂરી હોય છે. એક વખત તેઓ પોતાનું સ્થાન બનાવી લે પછી તેઓ સફળતથી મોટા પડદે બોલીવૂડની ફિલ્મમાં કામ કરી શકે છે. આ ઇન્ડસ્ટ્રી વિકસતી રહે છે, ઓટીટી પર રિલીઝ થાય કે મોટા પડદે તે ફિલ્મના વિષય પર આધારિત હોય છે.

LEAVE A REPLY