ટ્રમ્પ પર હુમલો કરનારા બંદૂકધારીની રાયન વેસ્લી રૂથ તરીકે ઓળખ થઈ હતી. સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં જણાવાયું હતું કે 58 વર્ષીય રુથ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનનો કટ્ટર સમર્થક છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર રૂથ નોર્થ કેરોલિના ગ્રીન્સબોરોનો ભૂતપૂર્વ બાંધકામ કામદાર છે. રૂથની કોઈ ઔપચારિક લશ્કરી પૃષ્ઠભૂમિ નથી, પરંતુ ભૂતકાળમાં, ખાસ કરીને રશિયાના 2022ના આક્રમણ પછી યુક્રેનમાં સશસ્ત્ર સંઘર્ષમાં ભાગ લેવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી. એક્સ પરની એક પોસ્ટમાં રૂથે યુક્રેનમાં “લડવા અને મરવાની” તેની ઈચ્છા જાહેર કરી હતી તેને નાગરિકોને વૈશ્વિક સંઘર્ષનો માર્ગ બદલવાની પણ હિમાયત કરી હતી.2020માં X પર રૂથે ડેમોક્રેટિક યુએસ પ્રમુખપદના ઉમેદવાર બર્ની સેન્ડર્સ માટે સમર્થન વ્યક્ત કર્યું અને બાઇડનને “સ્લીપી જો” કહીને ઠેકડી ઉડાવી હતી.
તેના વોટ્સએપ બાયોમાં, રૂથે લખ્યું છે કે માનવ અધિકાર, સ્વતંત્રતા અને લોકશાહીને સમર્થન આપવા માટે આપણામાંના દરેકે દરરોજ નાના પગલાં લેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે રૂથની વર્ષ 2002માં પણ ધરપકડ કરવામાં આવી હતી. રૂથ પર સ્વયંસંચાલિત હથિયાર વડે બિલ્ડિંગમાં બેરિકેડિંગ કરવાનો આરોપ છે. જો કે આ ઘટનાનો સંદર્ભ જાણી શકાયો નથી.