રતન ટાટાના નિધન પછી આશરે 165 અબજ ડોલરના ટાટા ગ્રુપ પર પરોક્ષ નિયંત્રણ ધરાવતા ટાટા ટ્રસ્ટની કમાન રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાને સોંપવામાં આવી છે. તેઓ હવે ટાટા ગ્રુપમાં રતન ટાટાના સત્તાવાર ઉત્તરાધિકારી બનશે. ટાટા ટ્રસ્ટ્સના નેજા હેઠળના તમામ ટ્રસ્ટના ચેરમેન તરીકે નોએલ ટાટાની વરણી કરાઈ હતી.
નવલ એચ ટાટા અને સિમોન એન ટાટાના પુત્ર નોએલ ટાટા હાલમાં ટ્રેન્ટ, ટાટા ઈન્ટરનેશનલ , વોલ્ટાસ એન્ડ ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના ચેરમેન તથા ટાટા સ્ટીલ અને ટાઈટનના વાઇસ ચેરમેન તરીકે સહિત ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓના બોર્ડમાં સેવા આપે છે. તેઓ છેલ્લાં 40 વર્ષથી ટાટા ગ્રુપ સાથે જોડાયેલા છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ સસેક્સમાંથી ગ્રેજ્યુએટ થયેલા નોએલએ INSEADમાંથી ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (IEP) પૂર્ણ કર્યો છે. તેમની પત્ની આલુ મિસ્ત્રી શાપૂરજી પલોનજી ગ્રુપના મિસ્ત્રી પરિવારમાંથી આવે છે. શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સન્સમાં ૧૮.૩ટકા હિસ્સો ધરાવે છે. નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા પણ ૨૦૧૬થી ટ્રેન્ટ સાથે સંકળાયેલા છે અને સ્ટાર બજારના વડા છે. નોએલ ટાટાની દીકરીઓ પણ ટાટા ગ્રુપની કંપનીઓ સાથે સંકળાયેલી છે.
નોએલના લગ્ન આલુ મિસ્ત્રી સાથે થયા છે. આલુ મિસ્ત્રી સ્વર્ગસ્થ સાયરસ મિસ્ત્રીના બહેન છે અને શાપૂરજી પલોનજી પરિવારનો હિસ્સો છે. શાપૂરજી પલોનજી ફેમિલી ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં 18.4 ટકા હિસ્સો ધરાવે છે અને તે સિંગલ લાર્જેસ્ટ શેરહોલ્ડર છે. ટાટા સન્સના અધ્યક્ષપદેથી સાયરલ મિસ્ત્રીની હકાલપટ્ટી બાદ શાપૂરજી પલોનજી ગ્રૂપ અને ટાટા વચ્ચેના સંબંધો વણસ્યાં હતાં અને વિવાદ કોર્ટમાં પણ પહોંચ્યો હતો.
નોએલને ટાટા ટ્રસ્ટ્સમાં રતન ટાટાના અનુગામી બનવા માટેના પ્રબળ દાવેદાર હતાં. જોકે રતન ટાટાના લાંબા સમયના વિશ્વાસુ મેહલી મિસ્ત્રીના નામની પણ અટકળો ચાલતી હતી.
તેમની નિમણૂક પછી નોએલ ટાટાએ જણાવ્યું હતું કે હું રતન એન ટાટા અને ટાટા જૂથના સ્થાપકોના વારસાને આગળ ધપાવવા માટે ઉત્સુક છું. એક સદી કરતાં પણ વધુ સમય પહેલાં સ્થપાયેલ ટાટા ટ્રસ્ટ્સ સામાજિક કલ્યાણ માટેનું એક અનોખું માધ્યમ છે. આ ગૌરવપૂર્ણ અવસર પર અમે અમારી વિકાસલક્ષી અને પરોપકારી પહેલોને આગળ ધપાવવા અને રાષ્ટ્ર નિર્માણમાં અમારી ભૂમિકા ભજવવાનું ચાલુ રાખવા માટે અમારી જાતને ફરીથી સમર્પિત કરીએ છીએ.
ટાટા ગ્રુપના સંખ્યાબંધ સખાવતી ટ્રસ્ટ છે, જે ટાટા પર સામ્રાજ્ય પર નિયંત્રણ ધરાવે છે. 67 વર્ષીય નોએલ ટાટા પહેલાથી જ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના બોર્ડમાં ટ્રસ્ટી છે.
ટાટા ગ્રુપમાં મોટે ભાગે તેમના પ્રસિદ્ધ સાવકા ભાઈના પડછાયા હેઠળ કામ કર્યા પછી નોએલ પાસે હવે ટાટા ટ્રસ્ટનું નેતૃત્વ કરવાની જવાબદારી હશે. ટાટા ટ્રસ્ટમાં ખાસ કરીને સર રતન ટાટા ટ્રસ્ટ એન્ડ એલાઈડ ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઈડ ટ્રસ્ટનો સમાવેશ છે, જે ટાટા સન્સમાં આશરે 66 ટકા હિસ્સો ધરાવે છે. ટાટા સન્સ ટાટા ગ્રુપની હોલ્ડિંગ અને પ્રમોટર કંપની છે.
હંમેશા લો પ્રોફાઇલ રહેતા નોએલ 1999થી ટાટા ગ્રૂપ સાથે જોડાયેલા છે. તેઓ ટાટા ગ્રુપની રિટેલ કંપની ટ્રેન્ટના ચેરમેન છે. આશરે 2 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી ટ્રેન્ટ વેસ્ટસાઇડ ઝુડિયો જેવી બ્રાન્ડ ધરાવે છે. નોએલ ટાટા વોલ્ટાસ અને ટાટા ઈન્ટરનેશનલના પણ ચેરમેન છે. ટાટા સન્સ ટાટા ગ્રુપની તમામ કંપનીઓની માલિક છે અને ગયા વર્ષેની તેની કુલ આવક આશરે 165 અબજ ડોલર રહી હતી.