
કૌભાંડીઓ દ્વારા વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને મિત્રો અને પરિવારજનો પાસેથી પૈસા માંગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસે વોટ્સએપ, ફેસબુક અને અન્ય સોસ્યલ મીડીયા એકાઉન્ટ હેક ન થાય તે માટે વોટ્સએપ વાપરતા લોકોને જરૂરી તકેદારી રાખવા ચેતવણી આપી છે.
આ કૌભાંડમાં ગઠીયાઓ કોઇક રીતે ધાર્મિક કે સામાજીક વોટસએપ ગૃપમાં જોડાય છે અને તે ગ્રુપમાં જોડાયેલા લોકોના નંબર મેળવી જે તે વ્યક્તિના વોટ્સએપ એકાઉન્ટ પર વોટ્સએપ ઓડિયો કોલ કે મેસેજ કરીને સંપર્ક કરે છે. ઘણીવાર કૌભાંડીઓ તેમના પ્રોફાઇલ ફોટો અને ડિસ્પ્લે પર દેખાતું નામ અસલ વ્યક્તિનું લખે છે જેથી આપણે તે કૌભાંડીને સાચી વ્યક્તિ માની લઇએ છીએ. નિર્દોષ વ્યક્તિને લાગે છે કે જે તે નંબર પરિચિત વ્યક્તિનો જ છે.
થોડા સંદેશાઓની આપલે પછી કૌભાંડના બીજા ચરણમાં ફોન કોલ કે મેસેજ કરીને જે તે સ્કેમર તમારા ફોન પર SMSથી આવેલો છ આંકડાનો કોડ નંબર આપવા કહે છે. આ માટે તેઓ ગ્રુપના સભ્યોને વિડિઓ કોલ, ઓનલાઇન મીટીંગ કે અન્ય કારણ આપી આ કોડ નંબર મેળવી લે છે.
ખરેખર તો, આ કોડ જે તે વ્યક્તિના વોટ્સએપ એકાઉન્ટ પર કાબુ મેળવા માટેનો છ અંકનો ટૂ સ્ટેપ વેરીફિકેશનની ચકાસણી (2SV) માટેનો કોડ હોય છે. જો આ કોડ કોઇની સાથે શેર કરવામાં આવે તો જે તે ગુનેગાર તમારા વોટ્સએપ એકાઉન્ટનો કબ્જો કે માલીકી મેળવી શકે છે. એક વખત માલીકી મળી જાય પછી તે ગુનેગાર તમારા સગાં-સંબંધી કે મિત્રોનો સંપર્ક કરી ખોટા કારણો બતાવી તેમની પાસેથી નાણાંની માંગણી કરે છે.
ખરેખર તો આપની પાસે વોટ્સેપ કે અન્ય કોઇ પણ મેસેજીંગ પ્લેટફોર્મ પર તમને નાણાં આપવા માટે મેસેજ કે ફોન કરવામાં આવે તો નાણાં ચૂકવવા જોઇએ નહિં. જો તમને થોડી પણ શંકા લાગે તો જે તે વ્યક્તિને કે તેમના જીવનસાથી કે સંતાનોનો સામાન્ય ફોન નંબર પર ફોન કરીને પૈસા આપવા કે નહિં તેની ખાતરી કરવી જોઇએ.
તમારો ફોન, વોટ્સએપ કે ફેસબુક એકાઉન્ટ કે બેન્ક એકાઉન્ટ હેક ન થાય તે માટે કદી પણ કોઇ પણ પ્રકારના OTP એટલે કે વન ટાઇમ પાસવર્ડ કે અન્ય માહિતી આપવી જોઇ નહિં. આ ઉપરાંત કોઇ પણ વ્યક્તિ જો કારણ વગર તમને સામેથી ફોન કરીને તમારૂ પૂરુ નામ, પોસ્ટકોડ સાથેનું સરનામુ અને જન્મ તારીખ પૂછે તો તમારી સાથે ઠગાઇ થવાની શક્યતાઓ વધી શકે છે. આમ આવી માહિતી કોઇને આપવી નહિં. જો તમને શંકા પડે તો તમારી સંતાનો કે પરિચીત વ્યક્તિની સલાહ લઇ શકો છો. આવા શંકાસ્પદ નંબરોને બ્લોક કરવા જરૂરી છે.
તમારૂ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એકાઉન્ટ હેક ન થાય તે માટે અને તમારા એકાઉન્ટને સુરક્ષિત બનાવવા માટે ટૂ સ્ટેપ વેરિફિકેશન સેટ કરવાની સલાહ આપાય છે.
જો તમારી સાથે છેતરપિંડી થઈ હોય, તો ઘટનાઓની જાણ સૌ પ્રથમ વેબસાઇટ https://www.actionfraud.police.uk પર એક્શન ફ્રોડને કરવી જોઈએ અથવા સલાહ માટે તમે 0300 123 2040 પર કૉલ કરી શકો છો.
