Getty Images)
બોલીવૂડની પીઢ અભિનેત્રી તબ્બુની નવી ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’ રીલીઝ થવાની તૈયારીમાં છે. તેણે તાજેતરમાં મીડિયા ઇન્ટરવ્યૂમાં ફિલ્મોમાં ઉંમર અને જાતીયતા અંગે ચર્ચા કરી હતી. એક તરફ 50-60 વર્ષની ઉંમરે પહોંચેલા હીરો આજે પણ 30-35 વર્ષની ઉમરના યુવાનોની ભૂમિકા ભજવે છે, ત્યારે આ સંજોગોમાં તબ્બુ કહે છે કે તેને હવે પડદા પર 30 વર્ષની યુવતીની ભૂમિકા ભજવવી નથી, તેને એવી ભૂમિકા ભજવવી છે, જે તેની ઉમરને શોભે તેવી હોય.
તબ્બુએ આ વિશે કહ્યું હતું કે, “હું એવી ફિલ્મો નહીં સ્વીકારું. હવે હું 30 વર્ષની યુવતીની ભૂમિકા ભજવવા તૈયાર નથી. હું મારી ઉમર મુજબ ભૂમિકા સ્વીકારીશ.” ફિલ્મમાં યુવાન તબ્બુની ભૂમિકા સાઈ માંજરેકર કરી રહી છે. તબ્બુ વધુમાં કહે છે કે, “જ્યારે ડી-એજિંગનો કન્સેપ્ટ નહોતો ત્યારે પણ કામ થતાં જ હતાં.
આપણે અલગ કલાકારને યુવાન હિરોના પાત્ર ભજવતાં જોયા જ છે. પછી મોટા થાય પછી તેઓ ધર્મેન્દ્ર કે દિલિપકુમાર બને છે. મને લાગે છે કે આ ફિલ્મ સાથે આપણે તો એ પરંપરા આગળ વધારી છે. કેટલીક ફિલ્મ્સમાં મોટી ઉંમરના કલાકારો નાની ઉમરના પાત્રો ભજવતા હોય તેવું શક્ય હોય છે કારણ કે દર્શકો માટે તે કંટાળાજનક નથી બનતું. પરંતુ અમારે આ ફિલ્મમાં એવું કશું કરવાની જરૂર નહોતી, અને જે થયું તે વધુ સારું થયું છે.” આ ફિલ્મમાં તબ્બુની સાથે જિમી શેરગિલ, સાઈ માંજરેકર અને શાંતનુ મહેશ્વરી જેવા  કલાકારો મહત્વની ભૂમિકામાં છે. અજય દેવગણ અને તબ્બુની આ એક સાથે 10મી ફિલ્મ છે.

LEAVE A REPLY