બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે રવિવારે જણાવ્યું હતું કે વચગાળાની સરકાર પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે. અમે ભારતને પદભ્રષ્ટ તાનાશાહ શેખ હસીનાને પરત મોકલવા પણ કહીશું.
યુનુસની આ ટીપ્પણી તેમના વલણમાં યુ-ટર્ન છે. કારણ કે ગયા મહિને યુકે સ્થિત ફાઇનાન્સિયલ ટાઈમ્સ અખબાર સાથેની મુલાકાતમાં, યુનુસે કહ્યું હતું કે તેમની સરકાર હાલમાં હસીનાના ભારતમાંથી પ્રત્યાર્પણની માંગ કરશે નહીં. શેખ હસીના 5 ઓગસ્ટના રોજ દિલ્હી નજીકના હિંડોન એરબેઝ પર ઉતર્યા હતા. આ પછી તેમને ગુપ્ત સ્થાન પર લઇ જવામાં આવ્યાં હતા અને અને ત્યારથી તેઓ જાહેરમાં જોવા મળ્યાં નથી.
વચગાળાની સરકારના 100 દિવસ પૂરા થવા પર રાષ્ટ્રને કરેલા સંબોધનમાં યુનુસે કહ્યું હતું કે તેમની સરકાર ધાર્મિક લઘુમતીઓ સહિત તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેના સર્વશ્રેષ્ઠ પ્રયાસો ચાલુ રાખી રહી છે. તેમની સરકાર એવી દરેક ઘટનાની તપાસ કરી રહી છે કે જ્યાં ધાર્મિક લઘુમતીઓ હિંસાનો ભોગ બન્યા હતા. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, જેથી કરીને દેશનો કોઈપણ નાગરિક, માત્ર હિંદુ સમુદાયના સભ્યો જ નહીં, હિંસાનો શિકાર ન બને. અમે આ પ્રયાસો ચાલુ રાખીશું. કેટલાક કિસ્સાઓમાં તેઓ હિંસાનો ભોગ પણ બન્યા છે. પરંતુ આ અંગેના તમામ અહેવાલો સંપૂર્ણપણે અતિશયોક્તિપૂર્ણ હતાં. આ હિંસા નાના કિસ્સાઓમાં હતી અને તે મુખ્યત્વે રાજકીય હતી.
8 ઓગસ્ટે પદ સંભાળનાર યુનુસે દાવો કર્યો હતો કે હસીના સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ અને કામદારો સહિત લગભગ 1500 લોકો માર્યા ગયા હતાં અને 19,931 અન્ય ઘાયલ થયા હતાં.
