ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના બેલ્જિયમમાં હોવાની અહેવાલને પુષ્ટિ આપતા આ યુરોપિયન દેશની સરકારે જણાવ્યું હતું કે તે ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીના કેસ પર ચાંપતી નજર રાખી રહી છે. બીજી તરફ એન્ટિગુઆ અને બાર્બુડાના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે મહુલ ચોક્સી તબીબી સારવાર માટે કેરેબિયન રાષ્ટ્ર છોડી ગયો છે, પરંતુ એન્ટિગુઆનો નાગરિક છે.
બેલ્જિયમના ફેડરલ પબ્લિક સર્વિસ (FPS) ફોરેન અફેર્સના પ્રવક્તા ડેવિડ જોર્ડેન્સે જણાવ્યું હતું કે આ કેસને યોગ્ય ધ્યાન સાથે હાથ ધરવામાં આવી રહ્યો છે. હું પુષ્ટિ આપી શકું છું કે ફેડરલ પબ્લિક સર્વિસ (FPS) ફોરેન અફેર્સ આ કેસથી વાકેફ છે અને તેના પર ખૂબ મહત્વ અને ધ્યાન આપે છે. જોકે અમે વ્યક્તિગત કેસ પર ટિપ્પણી કરતા નથી. વધુમાં આ કેસ ફેડરલ પબ્લિક સર્વિસ જસ્ટિસના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
ભારતે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માટે બેલ્જિયન સત્તાવાળાનો સંપર્ક કર્યો હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીએ તેના ભાણેજ નિરવ મોદી સાથેમળીને પંજાબ નેશનલ બેંકની સાથે રૂ.14000 કરોડનું જંગી કૌભાંડ કર્યું હતું, જેના પગલે તેઓની વિરુદ્ધમાં છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપ મૂકવામાં આવ્યા છે. ઇડીએ કોર્ટમાં મુકેલી ચાર્જશીટમાં આ સંગઠિત કૌભાંડના માસ્ટર માઇન્ડ તરીકે મેહુલ ચોક્સીને દર્શાવવામાં આવ્યો છે. ઇડી અને સીબીઆઇની ધોંસ વધી જતા નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયા હતાં અને મેહુલ ચોક્સીએ 2017માં ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એન્ટિગુઆ-બાર્બાડોઝનું નાગરિકત્વ લઇ લીધું હતુ અને ત્યારથી તે પોતાની ધરપકડ ટાળતો આવ્યો છે.
