વેલ્સ સરકાર અને ઓનરરી કોન્સ્યુલેટ ઓફ ઇન્ડિયા દ્વારા 7 નવેમ્બરના રોજ સ્વાનસી યુનિવર્સિટીના બે કેમ્પસના ગ્રેટ હોલ ખાતે દિવાળીના પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં આર્મી બેન્ડ કોર્પ્સ ઓફ ડ્રમ્સ દ્વારા વાઇબ્રન્ટ લાઇટ શો અને રેખા નાટ્ય એકેડેમી દ્વારા નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
વેલ્સના ઓનરરી કોન્સ્યુલેટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ફર્સ્ટ મિનિસ્ટર એલ્યુન્ડ મોર્ગન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં વેસ્ટ ગ્લેમોર્ગનના લોર્ડ લેફ્ટનન્ટ, સ્વાનસીના લોર્ડ મેયર, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સમુદાયના સભ્યો સહિત, વેલ્સ યુનિવર્સિટીના સીનિયર રીપ્રેઝન્ટેટિવ્ઝ, વિદ્યાર્થીઓ અને આર્મી, એરફોર્સ, નેવી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી.
ફર્સ્ટ મિનિસ્ટર એલ્યુન્ડ મોર્ગને વેલ્સ અને ભારત વચ્ચે કરુણા, સમૃદ્ધિ અને સહિયારા મૂલ્યોનો ઉષ્માસભર સંદેશ આપ્યો હતો. તેમણે વેલ્સમાં વિશેષમાં તો આરોગ્ય ક્ષેત્રે અને બિઝનેસમાં ભારતીય સમુદાયના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ઇન્ડિયન હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ભારત અને વેલ્સ વચ્ચેના મજબૂત સંબંધો વિશે વાત કરી હતી.