નવી દિલ્હી ખાતેની યુએસ એમ્બેસીનાં મિનિસ્ટર કાઉન્સેલર ફોર પબ્લિક ડિપ્લોમસી ગ્લોરીયા એફ બર્બેનાએ તાજેતરમાં ચંદિગઢ ખાતે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં પ્રવાસન અને બિઝનેસ સંબંધિત B1 અને B2 વિઝા માટેના ઇન્ટર્વ્યૂ માટે રાહ જોવાના સમયગાળામાં ઘટાડો થવાની કોઈ સંભાવના નથી.
બર્બેનાએ જણાવ્યું હતું કે, નવી દિલ્હીના કોન્સ્યુલેટમાં નોન-ઇમિગ્રન્ટ વિઝા (પ્રથમવારના પ્રવાસીઓ) માટે ઇન્ટર્વ્યૂ માટે રાહ જોવાનો સમયગાળો 386 દિવસનો છે. કોલકાતામાં વિઝા માટે સૌથી ઓછો સમય 24 દિવસનો છે, જ્યારે હૈદરાબાદના કોન્સ્યુલેટમાં રાહ જોવાનો સમયગાળો સૌથી લાંબો 407 દિવસનો છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે ભારતીય વિદ્યાર્થીઓ અમારે ત્યાં આવીને અભ્યાસ કરે પણ સાથે સાથે અમે સ્પષ્ટતા કરવા ઇચ્છીએ છીએ કે, સ્ટડી વિઝામાં નોકરી મેળવવાની અથવા તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકામાં રહેવાની મંજૂરી આપવાની કોઇ ખાતરી આપવામાં આવતી નથી.
બર્બેનાએ વધુમાં જણાવ્યું હતું કે, “ખાસ તો અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ અને જેમના વિઝાનો સમયપૂર્ણ થયો છે તેને રીન્યૂ કરવા ઇચ્છતા લોકો માટે તાજેતરના સમયમાં વિઝાની સમગ્ર પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. યુએનના મહત્વના કામ માટે વિઝા મેળવવા ઇચ્છતા અરજદારોને પ્રાથમિકતાના ધોરણે મંજૂરી આપવામાં આવી રહી છે.” બર્બેનાએ જણાવ્યું હતું કે, અરજદારો તેમની અનુકૂળતા મુજબ નવી દિલ્હી, હૈદરાબાદ અથવા કોલકાતા સહિત દેશના કોઈપણ કોન્સ્યુલેટમાં તેમની એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકે છે. તમામ કેસોને સમાન યોગ્યતાના ધોરણે ધ્યાનમાં લેવામાં આવે છે.

LEAVE A REPLY