લંડનના સિલ્ક સ્ટ્રીટ સ્થિત બાર્બિકન સેન્ટર ખાતે 28 થી 30 માર્ચ 2025 દરમિયાન આંતરધાર્મિક સંવાદ, દાર્શનિક પરંપરાઓ અને આધ્યાત્મિક સંવાદિતાના સારને શોધતા ત્રણ દિવસીય ઉત્સવ, વોઇસીસ ઓફ ફેઇથમાં આધ્યાત્મિકતા, ઇતિહાસ અને ધર્મશાસ્ત્રીય પ્રવચનનો અસાધારણ સંગમ જોવા મળ્યો હતો.

ટીમવર્ક આર્ટ્સ, જયપુર લિટરેચર ફેસ્ટિવલ (JLF) અને JLF લંડનના નિર્માતાઓ દ્વારા આયોજિત, ટેક મહિન્દ્રાના સમર્થન સાથે કામિની અને વિંડી બાંગા ફેમિલી ટ્રસ્ટ દ્વારા વોઇસીસ ઓફ ફેઇથ રજૂ કરવામાં આવ્યું હતું. ઇસ્ટર્ન આઇ અને ગરવી ગુજરાતે આ સીમાચિહ્નરૂપ ઘટનાના સત્તાવાર મીડિયા ભાગીદારો તરીકે સેવા આપી હતી. આ અનોખા ઉત્સવનો ઉદ્દેશ્ય વૈશ્વિક ધાર્મિક પરંપરાઓમાં સમાવિષ્ટ કાલાતીત શાણપણ દ્વારા આધુનિક જીવનની જટિલતાઓને સમજવાની સમજ આપવાનો હતો.

પહેલા દિવસે ઉત્સવની શરૂઆત પ્રખ્યાત સંગીતકારો સૌમિક દત્તા અને ગુરદૈન સિંહ રાયત દ્વારા ભારતીય શાસ્ત્રીય પ્રસ્તાવના સાથે થઈ હતી. બૌદ્ધ ધર્મના વિદ્વાન અને વેસ્લીયન યુનિવર્સિટીના આસીસ્ટન્ટ પ્રોફેસર એન્ડ્રુ ક્વિન્ટમેને મુખ્ય ભાષણ આપી માનવ સભ્યતામાં ધર્મની સર્વવ્યાપી હાજરી પરના તેમના વિચારોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

સ્વાગત પ્રવચન કરતા યુકેમાં ભારતના હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ કહ્યું હતું કે “જ્યાં સુધી શ્રદ્ધા બીજાની માન્યતાઓને અમાન્ય કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતી નથી ત્યાં સુધી તે હાનિકારક નથી. તેનું મૂલ્ય કવિતા, કલા, સ્થાપત્ય, સંગીત અને ફિલસૂફીમાં તે કેવી રીતે વ્યક્ત થાય છે તેના પર રહેલું છે. સમગ્ર ઇતિહાસમાં, શ્રદ્ધાએ આપણી મહાન સાંસ્કૃતિક અને કલાત્મક સિદ્ધિઓને આકાર આપ્યો છે. શ્રદ્ધા અને સભ્યતા વચ્ચેના ઊંડા જોડાણને જોવા માટે ફક્ત મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા કોઈપણ પૂજા સ્થળમાં પગ મૂકવાની જરૂર છે. તેના મૂળમાં, બધા ધર્મો એક મૂળભૂત સંદેશ શેર કરે છે: પ્રેમ, કરુણા, આદર અને ક્ષમા.”

સંજય કે. રોયે કહ્યું હતું કે “ધર્મનો અવાજ એ ધાર્મિક પ્રથાઓનું નહીં, પરંતુ ફિલસૂફી, જોડાણ અને માનવતાનું અન્વેષણ છે. તે સહાનુભૂતિ, પ્રેમ અને શ્રદ્ધાઓ વચ્ચેના તફાવતો અને સમાનતાઓને સમજવા વિશે છે. આપણે વોઈસીસ ઓફ ફેઈથ શ્રેણી દ્વારા અન્વેષણ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

વિંદી બાંગાએ કહ્યું હતું કે “ધર્મનો અવાજ એ ખુલ્લા, વિચારશીલ અને ઊંડાણપૂર્વક વ્યક્તિગત રીતે શ્રદ્ધા સાથે જોડાવા વિશે છે. અમને આશા છે કે આ પ્લેટફોર્મ ઘણા લોકોને તેમના પોતાના માર્ગોનું અન્વેષણ કરવા અને તેના પર ચિંતન કરવા માટે પ્રેરણા આપશે.”

લોર્ડ જિતેશ ગઢિયાએ કહ્યું હતું કે “શ્રદ્ધા ખૂબ જ વ્યક્તિગત છે. તેને સમજવા માટે વ્યક્તિએ પોતાની જાતની બહાર પગ મૂકવો જોઈએ.”

બીજા દિવસે બનારસ ઘરાનાના સ્વરંશ મિશ્રા, તેમની સાથે દિલરુબા પર માસ્ટર કિરપાલ સિંહ પાનેસર અને તબલા પર પ્રતિભાશાળી રાજવીર સિંહ ભચુએ ‘ધ ટાઈમલેસ નોટ્સ ઓફ કબીર’ના શિર્ષક હેઠળ મંત્રમુગ્ધ સંગીત યાત્રા કરાવી હતી. તો પેનલ ચર્ચા “કબીર: એન આઇકોનોક્લાસ્ટિક મિસ્ટિક”માં પ્રખ્યાત વિદ્વાનો પુરુષોત્તમ અગ્રવાલ અને લિન્ડા હેસે સંજય કે રોય સાથે વાતચીત કરી હતી. તેમણે કબીરના સાહિત્યિક અને આધ્યાત્મિક વારસા, રૂઢિચુસ્તતાના તેમના વિરોધ અને સમકાલીન સમયમાં તેમની સુસંગતતા વિષે માહિતી આપી હતી.

પ્રખ્યાત બ્રિટિશ લેખક અને ઇતિહાસકાર બાર્નાબી રોજર્સને પ્રખ્યાત પત્રકાર અને પ્રવાસ લેખક એન્થોની સેટિન સાથે ‘ધ બર્થ ઓફ અ ફેઇથ’ શિર્ષક હેઠળ વાતચીત કરી હતી. તેમણે પયગંબર મુહમ્મદ સાહેબનો જન્મ કયા ઐતિહાસિક અને સામાજિક-રાજકીય વાતાવરણમાં થયો હતો અને અરબી દ્વીપકલ્પ પર તેમના સાક્ષાત્કારનો ઊંડો પ્રભાવ કેવી રીતે પડ્યો હતો તેની ચર્ચા કરી હતી.

કાર્યક્રમના ત્રીજા દિવસે શીખ ઉપદેશો અને ભાગવત પુરાણના ગહન અન્વેષણનો સૌને લાભ મળ્યો હતો. સવારની શરૂઆત પ્રખ્યાત ગાયિકા અમૃત કૌર લોહિયા દ્વારા મંત્રમુગ્ધ કરનાર સંગીતમય પ્રદર્શન, “એ સેક્રેડ સિમ્ફની” સાથે થઈ હતી.

દિવસના સૌથી વિચારપ્રેરક સત્રોમાંના એક, “ગુરુ નાનકથી ગુરુ ગોવિંદ સિંહ: શ્રદ્ધાની યાત્રા”, માં પ્રખ્યાત લેખક અને યુએસ – યુકેના પૂર્વ રાજદૂત નવતેજ સરના અને ધર્મના પ્રતિષ્ઠિત બ્રિટિશ પ્રોફેસર, લેખક અને મીડિયા વિવેચક જગબીર ઝુટ્ટી-જોહલ ઓબીઇ વચ્ચે સમજદારીભર્યો સંવાદ રજૂ કર્યો હતો. સરનાએ ગુરુ નાનકના જીવન અને યાત્રાઓ પર એક ઐતિહાસિક દ્રષ્ટિકોણ પૂરો પાડી તેમને મધ્યયુગીન ભારતના સામાજિક-રાજકીય પરિદૃશ્યમાં મૂક્યા હતા.

બીજા સત્રમાં ભાગવત પુરાણ પર એક સમજદાર ચર્ચા યોજાઈ હતી. જેમાં પૂજનીય ગ્રંથના ભક્તિના સાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ સત્રનું નેતૃત્વ ઓક્સફોર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝના ડિરેક્ટર શૌનક ઋષિ દાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમનો પરિચય ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ.એન. નંદકુમાર એમ.બી.ઈ. દ્વારા આપવામાં આવ્યો હતો. સત્રએ ઉપસ્થિતોને ભારતના ધાર્મિક, સાંસ્કૃતિક અને બૌદ્ધિક પરિદૃશ્યને આકાર આપવામાં ભાગવત પુરાણની ભૂમિકા માટે ઊંડી છાપ છોડી હતી.

ત્રીજા સત્રમાં, પ્રખ્યાત શેફ આનંદ જ્યોર્જે સંજોય કે. રોય સાથે ખોરાક, સંસ્કૃતિ અને સુખાકારી વચ્ચેના ઊંડા જોડાણ વિશે ચર્ચા કરી હતી.

બપોરની શરૂઆત ઇન્ટરવોવન ફેઇથથી થઈ હતી જેમાં જેસિકા જેકલી અને શોમિત મિટરે આધ્યાત્મિકતા, પ્રેમ અને પરિવારની પરિવર્તનશીલ શક્તિ તથા કેવી રીતે બહુવિધ પરંપરાઓને અપનાવવાથી શ્રદ્ધા વધુ ગાઢ બની શકે અને સમાવેશીતા વધી શકે તે બાબતે ચર્ચા કરી હતી.

તે પછી પવન કે. વર્માએ હિન્દુ ધર્મના મહાન વિચારકોમાંના એક, આદિ શંકરાચાર્યના દાર્શનિક યોગદાન અને આજના પરસ્પર જોડાયેલા વિશ્વમાં શંકરાચાર્યના અદ્વૈત વેદાંત ઉપદેશોની સતત સુસંગતતા પર પ્રકાશ પાડ્યો હતો.  તો સમી સાંજે પત્રકાર જ્યોર્જીના ગોડવિન સાથે રેઝા અસલાને ખ્રિસ્તી ઇતિહાસના પુનર્અર્થઘટન, ઈસુના વિકસતા ચિત્રણ, તેમના જીવન અને મિશન પર ચર્ચો કરી હતી.

ગાર્ડન રૂમમાં યોજાયેલ વાયોલિનવાદક ડૉ. એલ. સુબ્રમણ્યમના આકર્ષક અને મંત્રમુગ્ધ કરનાર સંગીતમય સમારોહ સાથે દિવસનો અંત આવ્યો હતો. વોઈસીસ ઓફ ફેઈથનો છેલ્લો દિવસ સંવાદ, દાર્શનિક પૂછપરછ અને કલાત્મક અભિવ્યક્તિની શક્તિનો પુરાવો હતો, જેનાથી ઉપસ્થિત સૌ પ્રેરિત થયા હતા.

LEAVE A REPLY