એર ઇન્ડિયા અને વિસ્તારાના મર્જર માટેની જરૂરી નિયમનકારી મંજૂરી મળી ગયા પછી એર ઈન્ડિયાના વડા કેમ્પબેલ વિલ્સને શુક્રવાર, 30 ઓગસ્ટે જણાવ્યું હતું કે વિસ્તારાના એરક્રાફ્ટ અને ક્રૂને 12 નવેમ્બરમાં એર ઇન્ડિયામાં સમાવી લેવામાં આવશે. વિસ્તારા તેની બ્રાન્ડ હેઠળ છેલ્લી ફ્લાઇટ 11 નવેમ્બરના રોજ ઓપરેટ કરશે અને 12 નવેમ્બરથી ફુલ-સર્વિસ કેરિયરની કામગીરીનું એર ઇન્ડિયામાં વિલીનીકરણ થશે.
ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ વિસ્તારા એર ઈન્ડિયા સાથે સંપૂર્ણપણે મર્જ થઈ જશે.
મર્જર પછી, સિંગાપોર કેરિયરને ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયામાં 25.1 ટકા હિસ્સો મળશે. સરકારે મર્જરના ભાગરૂપે સિંગાપોર એરલાઇન્સ દ્વારા સીધા વિદેશી રોકાણને મંજૂરી આપી છે.શુક્રવારે સ્ટાફને એક સંદેશમાં, વિલ્સને કહ્યું હતું કે તેઓ હવે લાંબી અને જટિલ વિલીનીકરણ પ્રક્રિયાના અંતિમ તબક્કામાં આગળ વધી રહ્યા છે. આ મર્જરની નવેમ્બર 2022માં જાહેરાત કરાઇ હતી. 12 નવેમ્બરના રોજ અથવા તે પછી વિસ્તારાની ફ્લાઇટ્સનો ફ્લાઇટ નંબર્સ એર ઇન્ડિયાનો હશે.
વિલીનીકરણ પ્રક્રિયા દરમિયાન મુસાફરોને વધુ માહિતીમાં મદદ કરવા માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)ની યાદી તૈયાર કરાઈ છે. 3 સપ્ટેમ્બરથી, વિસ્તારાની વેબસાઈટ દ્વારા 12 નવેમ્બરના રોજ અથવા તે પછી ઉપડતી ફ્લાઈટ્સ બુક કરાવવા ઈચ્છતા મુસાફરોને બુકિંગ પૂર્ણ કરવા માટે એર ઈન્ડિયાની સાઈટ પર ક્રમશઃ રીડાયરેક્ટ કરાશે. 12 નવેમ્બર પછી વિસ્તારાની ફ્લાઈટ્સ પર પહેલાથી જ બુક કરાયેલા તમામ ગ્રાહકોનું રિઝર્વેશન આપોઆપ એર ઈન્ડિયા ફ્લાઈટ નંબરમાં કન્વર્ટ થઈ જશે