કન્ઝર્વેટિવ સરકારે મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને હેલ્થ કેર વર્કર્સને તેમના પરિવારને યુકેમાં લાવવા પર પ્રતિબંધ મૂકતા અને રજૂ કરેલા અન્ય નિયમોને કારણે યુકે આવવા માટે વિઝા અરજી કરનારા વિદેશી કામદારો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોની સંખ્યામાં છેલ્લા 12 મહિનામાં ત્રીજા ભાગનો ઘટાડો થયો છે.
હોમ ઑફિસના કામચલાઉ આંકડા સૂચવે છે કે વિઝા માટે અરજી કરનારા માઇગ્રન્ટ્સ અને તેમના પરિવારના સભ્યોની સંખ્યા જુલાઈ 2023માં આશરે 141,000 હતી જે ઘટીને ગયા મહિને 91,000 થઈ ગઈ છે. હેલ્થ કેર વર્કર વિઝા માટે અરજી કરનારાઓની સંખ્યા 80% ઘટીને 2,900 થઈ ગઇ હતી.
સરકારે યુકે આવવા ઇચ્છતા કુશળ વિદેશી કામદારો માટેનો લઘુત્તમ પગાર £26,200 થી વધારીને £38,700 કર્યો છે અને પોઈન્ટ સિસ્ટમ હેઠળ 70 પોઈન્ટ્સ મેળવવા જરૂરી છે.
નેશનલ કેર એસોસિએશનના એક્ઝિક્યુટિવ કો-ચેરમેન નાદરા અહેમદે જણાવ્યું હતું કે ‘’સેક્ટરના કેટલાક કર્મચારીઓ ઘરે પાછા ફર્યા છે કે આસાન ઇમિગ્રેશન હોય તેવા દેશોમાં પરત થવાનું શરૂ કર્યું છે. જો અમારી પાસે સ્થાનિક કર્મચારીઓ કામ કરવા તૈયાર હોય તો અમને આ આંતરરાષ્ટ્રીય ભરતીની જરૂર ન હોત. સ્થાનિક કર્મચારીઓનું નિર્માણ કરવામાં થોડા વર્ષ લાગશે.’’
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ઘટાડો થવાથી પહેલેથી જ નાણાકીય દબાણનો સામનો કરી રહેલી યુનિવર્સિટીઓને પણ નુકસાન થઈ શકે છે.
2022માં કાયદેસરનું નેટ ઇમિગ્રેશન વધીને 764,000 થયું હતું, પરંતુ તે પછીના વર્ષે 10% ઘટ્યું હતું.