AP/PTI
એક તરફ શનિવારે ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી, તો અત્યંત આનંદના એ પ્રસંગે ટીમના ત્રણ ખેલાડીઓ – સુકાની રોહિત શર્મા, ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટી-20 ઈન્ટરનેશનલ્સમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ‘આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો, અમે આ જ હાંસલ કરવા માગતા હતા. આ અમારું સપનું હતું, અમે આઈસીસી ટુર્નામેન્ટ જીતવા માગતા હતા, અમે કપ ઉપાડવા માગતા હતા. અમે ફાઇનલમાં હારી ગયા હોત તો પણ હું નિવૃત્ત તો થવાનો જ હતો.
સુકાની રોહિત શર્માએ પોતાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું હતું કે, ‘આ મારી પણ છેલ્લી ટી-20 ઈન્ટરનેશનલ હતી. આ ફોર્મેટને અલવિદા કહેવાનો આનાથી વધુ સારો સમય ન હોઈ શકે. મેં મારી કારકિર્દીની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. મેં આ ફોર્મેટથી મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. હું તે જ ઇચ્છતો હતો, હું કપ જીતવા માગતો હતો.
મારી પાસે શબ્દો નથી. મારા માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે, હું કોઈપણ કિંમતે આઈસીસી ટ્રોફી જીતવા માગતો હતો. ખુશ છે કે અમે આખરે તે કરી શક્યા.
વિરાટ કોહલી ભારત તરફથી 125 ટી-20 રમ્યો છે. એમાં તેણે 48.69ની એવરેજ અને 137.04ના સ્ટ્રાઈક રેટથી 4188 રન કર્યા હતા. ટી-20 ઇન્ટરનેશનલ્સમાં તે બીજા ક્રમનો સૌથી વધુ રન કરનારો ખેલાડી છે.
તો રોહિત શર્મા ભારત તરફથી 159 ટી-20 ઈન્ટરનેશનલ્સ રમ્યો છે, જેમાં તેણે 32ની એવરેજ અને 141ના સ્ટ્રાઈક રેટથી 4231 રન કર્યા હતા. એમાં 32 અડધી સદી અને 5 સદીનો સમાવેશ થાય છે. તેણે પાંચેય સદી 5 અલગ-અલગ ટીમ સામે કરી છે. આ ફોર્મેટમાં રોહિત સૌથી વધુ રન કરનારો ખેલાડી છે.
તો રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિની જાહેરાત કરતાં કહ્યું હતું કે, મેં હંમેશા મારી ટીમ અને દેશ માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે અને હજી પણ અન્ય ફોર્મેટ્સમાં કરતો રહીશ. ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનું અમારૂ સ્વપ્ન હતું અને તે સાકાર થયું છે. મારી ટી-20 કારકિર્દીની આ સર્વોચ્ચ સફળતા રહી છે. જાડેજા અત્યારસુધીમાં 74 ટી-20 ઈન્ટરનેશનલ્સ રમ્યો છે, જેમાં એણે 515 રન કર્યા છે, તો 54 વિકેટ લીધી છે.

LEAVE A REPLY