જસ્ટિન ટ્રુડો સરકાર દ્વારા ઇમિગ્રન્ટ વર્કર્સ અંગેની ફેડરલ નીતિમાં ફેરફારને કારણે દેશનિકાલનો થવાનો ભય ઊભો થયો હોવાથી કેનેડામાં હજારો વિદેશી વિદ્યાર્થીઓએ દેશવ્યાપી વિરોધી દેખાવો ચાલુ કર્યા હતા.
સિટીન્યૂઝ ટોરોન્ટોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી સંગઠન નૌજવાન સપોર્ટ નેટવર્કના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ વર્ષના અંત ભાગમાં વર્ક પરમિટ પૂરી થાય છે તેવા 70,000થી વધુ સ્નાતકો પર દેશનિકાલ થવાનું જોખમ ઊભું થયું છે. મંગળવારે, ટ્રુડો વહીવટીતંત્રે જાહેરાત કરી હતી કે કડક નિયમો હેઠળ કેનેડામાં ઓછા કામચલાઉ વિદેશી કામદારોને મંજૂરી આપવામાં આવશે.વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે જાહેરાત કરી હતી કે મહામારીને પગલે કામચલાઉ ઇમિગ્રેશનમાં થયેલા વધારાને રોકવાના પ્રયાસના ભાગરૂપે કેનેડિયન સરકાર નીચા વેતનના પ્રવાહમાં કામચલાઉ વિદેશી કામદારોનો હિસ્સો ઘટાડશે. આ હિસ્સો કુલ કર્મચારીના 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરાશે. આ ફેરફારોનો અમલ 26 સપ્ટેમ્બરથી થશે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (PEI), ઓન્ટારિયો, મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયા સહિત વિવિધ પ્રાંતોમાં શિબિરો સ્થાપી રહ્યા છે અને રેલીઓ યોજી રહ્યા છે. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડના સેંકડો વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારોને પડકારતા ત્રણ મહિનાથી વધુ સમયથી વિધાનસભાની બહાર વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે કાર્ય કરતા સંગઠન યુથ સપોર્ટ નેટવર્કના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે ઘણા સ્નાતક વિદ્યાર્થીઓ કે જેમની વર્ક પરમિટ આ વર્ષના અંતમાં સમાપ્ત થાય છે તેમને દેશ છોડવાનો વારો આવી શકે છે.