ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળતા અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા છે. આ ખૂબ સંવેદનશીલ પરિસ્થિતિને કાબૂમાં લેવાની જવાબદારી સરકારે સેનાને સોંપી છે. સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નોકરીઓમાં ક્વોટા અંગે ઘણા દિવસોથી ચાલી રહેલા હિંસક વિરોધ વચ્ચે સરકારે સેનાને તહેનાત કરી હતી. બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાના પ્રેસ સચિવ નઈમુલ ઈસ્લામ ખાને કહ્યું કે દેશમાં કોઈપણ પ્રકારની રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દેશમાં ઘણા દિવસોથી ચાલી રહેલી હિંસા રોકવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં અત્યાર સુધીમાં 105 લોકોના મોત થયા હતા, જેમાં 52 લોકોના મોત શુક્રવારે પાટનગર ઢાકામાં થયા હતા. ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ હતી. નઈમુલ ઈસ્લામે કહ્યું કે સરકારે લોકોની મદદ માટે સેનાને તહેનાત કરવાનો અને કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે કર્ફ્યુ તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે. 15 વર્ષથી સત્તામાં રહેલા વડાંપ્રધાન શેખ હસીનાની સરકાર માટે આ સ્થિતિ પર કાબુ મેળવવો મોટો પડકાર છે.
