ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર વિનોદ કાંબલીની તબિયત સપ્તાહના અંતે બગડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. સચિન તેંડુલકરના લાંબા સમયથી સાથી રહેલા 52 વર્ષીય કાંબલીને શનિવારે મોડી રાત્રે થાણેની આકૃતિ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
મીડિયા રીપોર્ટ મુજબ “કાંબલીની તબિયત હવે સ્થિર છે, પરંતુ તે નાજુક છે.” સોમવારે, એક ચાહકે કાંબલીનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે થમ્બ્સ અપ કરતો જોઈ શકાય છે. તાજેતરમાં, કાંબલીનો એક વીડિયો વાયરલ થયો હતો. તેનાથી તબિયત અંગે નવી અટકળો ચાલુ થઈ હતી.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીના આરોગ્ય સંઘર્ષ વિશે ઘણું કહેવામાં અને લખવામાં આવ્યું છે. તાજેતરમાં કાંબલીએ મુંબઈના શિવાજી પાર્ક ખાતે સ્વર્ગસ્થ રમાકાંત આચરેકરના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. આચરેકરે કાંબલી અને સચિન તેંડુલકરની કોચિંગ આપ્યું હતું. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થયા હતાં જેમાં કાંબલીએ ચાલવામાં અને વર્તનમાં પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. કાંબલીએ હવે તેની તબિયતના સંઘર્ષ અંગે ખુલાસો કર્યો છે.
તાજેતરમાં કાંબલીએ ખુલાસો કર્યો કે તે યુરિન ઈન્ફેક્શન સામે લડી રહ્યો છે, પરંતુ તેની પત્ની અને બાળકો તેની સાથે ખડકની જેમ ઉભા રહ્યાં છે. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજય જાડેજા તેને મળવા આવ્યો હતો.
