જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ઐતિહાસિક ચૂંટણીના મંગળવાર, આઠ ઓક્ટોબરે આવેલા રિઝલ્ટમાં ફારુખ અબ્દુલ્લાના વડપણ હેઠળની નેશનલ કોન્ફરન્સ (એનસી) અને કોંગ્રેસ ગઠબંધનનો ભવ્ય વિજય થયો હતો. જમ્મુ કાશ્મીરમાં વિવાદાસ્પદ કલમ 370ની નાબૂદી પછી આશરે 10 વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં ભાજપને સરકાર બનાવવાની આશા હતી, પરંતુ તે સફળ થઈ ન હતી અને વિપક્ષી ગઠબંધનની સ્પષ્ટ બહુમતી મળી હતી.
આ કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 49 બેઠકો પર નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસનું ગઠબંધન આગળ હતું અથવા વિજય મેળવ્યો હતો, જે 45 બેઠકોની બહુમતીના આંકથી વધુ છે. બીજી તરફ ભાજપ 29 બેઠકો પર આગળ હતો અથવા વિજય મેળવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ પ્રાંતમાં હિન્દુઓ બહુમતીમાં છે અને ત્યાં પણ ભાજપનો દેખાવ ધારણા મુજબ રહ્યો હતો. બીજી તરફ મુસ્લિમ બહુમતી ધરાવતા કાશ્મીર પ્રાંતમાં નેશનલ કોન્ફરન્સ ગઠબંધનને સપાટો બોલાવ્યો હતો.
ગઠબંધનમાં નેશનલ કોન્ફરન્સને 42 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર છ બેઠકો મળી હતી. ક્યારેય J&K પર એકલા હાથે શાસન ન કરનારી ભાજપે 29 બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો હતો, જે 2014માં તેની બેઠકો કરતા ચાર વધુ છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીની અપેક્ષા કરતા ઓછી છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની પીડીપીને કિંગમેકર તરીકે જોવામાં આવતી હતી, પરંતુ કોંગ્રેસ-NC ગઠબંધનની સ્પષ્ટ બહુમતી મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે પીડીપીએ J&Kમાં સરકાર બનાવવા માટે 2014ની ચૂંટણી પછી ભાજપ સાથે જોડાણ કર્યું હતું. આ વખતે પીડીપીને માત્ર ત્રણ બેઠકો મળી હતી, જે ગત ચૂંટણી કરતાં 25 ઓછી છે. J&Kની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત એક બેઠક પર વિજય મેળવ્યો હતો. સાત બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યાં હતાં.
વોટ શેરની દ્રષ્ટિએ ભાજપને મોટી સફળતા મળી હતી. ભગવા પક્ષે 25.63 ટકા મત મેળવ્યા હતાં – જે 2014માં મળેલા મત કરતાં 2.65 ટકા વધુ છે. એનસીને 23.44 ટકા મત મળ્યા હતાં, જ્યારે કોંગ્રેસને 11.97 ટકા મત મળ્યાં હતાં. પીડીપીને 8.87 ટકા વોટ મળ્યાં હતા, જે 2014 કરતાં 13.8 ટકા ઓછા છે.
નેશનલ કોન્ફરન્સે 56 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતાં અને 42 સીટો જીતી હતી. પક્ષના નેતા ઓમર અબ્દુલ્લાએ બડગામ અને ગાંદરબલના પારિવારિક ગઢમાંથી ચૂંટણી લડી હતી અને બંને બેઠકો જીતી હતી. તેમને આગામી મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસે 39 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતું અને માત્ર છ જ જીત્યા હતાં. 2014ની ચૂંટણીમાં પાર્ટીએ (પોતાના દમ પર) 86 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 12 બેઠકો જીતી હતી. આમ કોંગ્રેસનો દેખાવ તદ્દન ખરાબ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે 3 તબક્કામાં મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ. છેલ્લી વખત 2014માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી ન હતી. 2019માં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ તે પહેલા ઓગસ્ટમાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરીને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો.