(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

વિકી કૌશલની કારકિર્દીને વેગ આપવામાં તેની તાજેતરની ‘છાવા’ ફિલ્મની ભૂમિકા મહત્ત્વની છે. આ ફિલ્મમાં તેની છત્રપતિ સંભાજી મહારાજના રોલ માટે ખૂબ પ્રશંસા થઈ રહી છે. હવે તેની નવી ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. સુજિત સરકારના દિગ્દર્શનમાં ‘એક જાદુગર’ ફિલ્મ બની રહી છે, જેમાં વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મની સ્ટોરી કે વિકીના પાત્ર અંગે ખાસ માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેને ફેન્ટસી ડ્રામા તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરે દરેક ફિલ્મ ચાહકનું ધ્યાન ખેંચ્યું છે. પોસ્ટરમાં વિકી કૌશલે જાદુગર જેવા ચમકદાર કપડાં પહેરેલા છે. હોલીવૂડ સ્ટાર જોની ડેપ જેવી હેટને વિકીએ પહેરી છે. આ હેટ પર લીલા રંગનું એક પીંછું છે. વિકીએ લીલા રંગનો સૂટ પહેર્યો છે અને તેના પર એમ્બ્રોઈડરી છે.

બો ટાઈ અને તેની મરોડદાર મૂંછો અલગ જ લૂક છે. વિકીના ચહેરા પર તોફાની સ્મિત જોવા મળે છે. વિકીના હાથમાં એક ક્રિસ્ટલ બોલ છે, જેને તે ગોળ ફેરવી રહ્યો છે. સર્કસના સેટની જેમ પાછળના પડદા પણ લીલા રંગના છે, જે જાદુની અનોખી દુનિયામાં સફર કરાવવા તૈયાર જણાય છે. ‘છાવા’ની સફળતા પછી ‘એક જાદુગર’ની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી. આ ઉપરાંત વિકી પાસે સંજય લીલા ભણસાલીની બિગ બજેટ ફિલ્મ ‘લવ એન્ડ વોર’ પણ છે. વિકી સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથેની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

LEAVE A REPLY