હિન્દી ફિલ્મો પઢી અભિનેતા અને દિગ્દર્શક મનોજકુમારનું ગત શુક્રવારે 87 વર્ષની વયે મુંબઇમાં નિધન થયું હતું. તેઓ છેલ્લાં કેટલાક સમયથી બિમાર હતા. તેમણે મુંબઇની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બોલીવૂડમાં શોક વ્યાપ્યો હતો. તેમના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમના અંતિમસંસ્કાર શનિવારે મુંબઇમાં રાજકીય સન્માન સાથે મુંબઇમાં કરવામાં આવ્યા હતા, જેમાં બોલીવૂડની અનેક હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. મનોજકુમારના મૃત્યુના સમાચાર જાણીને અનેક ફિલ્મકારો અને ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મનોજકુમારે પૂરબ ઓર પશ્ચિમ, ગુમનામ, નીલકમલ, ઉપકાર, પથ્થર કે સનમ, ક્રાન્તિ, દસ નંબરી જેવી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. તેમને નેશનલ એવોર્ડ, પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મનોજકુમારની માત્ર ફિલ્મો જ નહીં પરંતુ તેમના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા. આ
દિગ્ગજ અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965નું વર્ષ તેમની કારકિર્દી માટે એક મોટું ગેમચેન્જર સાબિત થયું હતું. એ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદએ તેમના કરિયરને વધુ મજબૂતી આપી. આ પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. ભૂમિકા ગમે તે હોય, તે રૂપેરી પડદે પાત્રને જીવી બતાવતા હતા.
મનોજકુમારે દેશભક્તિ આધારિત અનેક ફિલ્મોમાં તેમના પાત્રનું નામ ભારત રહ્યું હોવાથી તેઓ ‘ભારતકુમાર’ તરીકે પણ ઓળખાતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, 24 જુલાઈ 1937ના રોજ પાકિસ્તાનના અબોટાબાદમાં જન્મેલા મનોજકુમારનું સાચું નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી હતું. ફિલ્મોમાં આવ્યા પછી, તેમણે પોતાનું નામ બદલીને મનોજકુમાર રાખ્યું. મનોજકુમાર અભિનયની સાથે તેમના ઉત્તમ દિગ્દર્શન માટે પણ જાણીતા હતા. તેમની યાદગાર ફિલ્મોમાં ‘શહીદ’, ‘ઉપકાર’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ અને ‘રોટી કપડા ઔર મકાન’, ‘દસ નંબરી’ અને ‘ક્રાંતિ’ વગેરેનો સમાવેશ થાય છે.
ભારત સરકારે તેમને 1992માં પદ્મશ્રી અને 2016માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, તેમને 1968માં ‘ઉપકાર’ માટે શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ વાર્તા અને શ્રેષ્ઠ સંવાદ સહિત સાત ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા. તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ પોતાના પાત્રોમાં સરળતા અને ઊંડાણ લાવ્યા હતા, જે દર્શકોના હૃદયને સ્પર્શી ગયા હતા. 60-70ના દસકામાં તેમની ફિલ્મોએ ભારતીય સિનેમાને એક નવી દિશા આપી હતી.
પ્રેમ લગ્ન કર્યા હતા
સેલિબ્રિટી નેટવર્થ અનુસાર, મનોજકુમારની કુલ સંપત્તિ અંદાજે 170 કરોડ રૂપિયાની હોવાનું કહેવાય છે. તેમનાં પત્નીનું નામ શશી ગોસ્વામી છે. એક જૂના ઇન્ટરવ્યુમાં, તેમણે તેમની પ્રેમગાથાને યાદ કરતા કહ્યું, ‘મારા ગ્રેજ્યુએશનના દિવસોમાં, હું જૂની દિલ્હીમાં એક મિત્રના ઘરે અભ્યાસ કરવા જતો હતો અને અહીં જ મેં શશીને પ્રથમવાર જોયા હતા. ભગવાનના સોગંદ, મેં મારા આખા જીવનમાં ક્યારેય કોઈ છોકરી તરફ ખરાબ ઇરાદાથી જાયું નથી, પણ શશીમાં કંઈક એવો જાદુ હતો કે હું તેના ચહેરા પરથી મારી નજર હટાવી શક્યો નહીં, અને દોઢ વર્ષ સુધી અમે બંને એકબીજાને દૂરથી જાયા. કારણ કે તે સમયે અમારામાંથી કોઈની હિંમત નહોતી કે અમે એકબીજા સાથે વાત કરી શકીએ.
એકવાર હું મિત્રો અને શશી સાથે ફિલ્મ “ઉડનખાટોલા” જોવા ગયો હતા. પછી, અમે વારંવાર મળતા હતા. મારા માતા-પિતાને અમારા સંબંધ સામે કોઈ વાંધો નહોતો, પણ શશીના ભાઈ અને માતા અમારી વિરુદ્ધ હતા. હું મારી કોલેજના ટેરેસ પર જતો અને શશી તેના ઘરના ટેરેસ પર જતી જેથી અમે બંને એકબીજાને જાઈ શકીએ અને કોઈ અમને જાઈ ન શકે. મનોજ અને શશીના પુત્ર કુણાલ ગોસ્વામીએ 1999માં રિલીઝ થયેલી જય હિંદ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. જાકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી.
અભિનેત્રીને સ્પર્શ કર્યા વગર જ રોમેન્ટિક સીન ભજવતા
મનોજકુમારે અલગ-અલગ જોનરની ફિલ્મો દરમિયાન ઝીનત અમાન, હેમા માલિની, સાયરા બાનો, આશા પારેખ, કામિની કૌશલ સહિત સંખ્યાબંધ અભિનેત્રીઓ સાથે કામ કરેલું છે. ‘ક્રાંતિ’ અને ‘સન્યાસી’માં તેમની સાથે કામ કરનારી હેમા માલિનીએ કહ્યું હતું કે, તેઓ ડાયરેક્ટર તરીકે પણ ખૂબ અદભૂત હતા. ‘ક્રાંતિ’માં તેમની સાથે દિલીપકુમાર પણ હતા. જો કે તેઓ ક્યારેય ફિલ્મમાં છવાઈ જવાનો પ્રયાસ નહોતા કરતા, દરેકને સમાન તક આપવા માગતા હતા. રોમેન્ટિક સીન દરમિયાન પણ તેઓ હીરોઈનને સ્પર્શ કરતા ન હોતા. સ્પર્શ વગર પણ પ્રેમની અભિવ્યક્તિ કરવાની તેમની આ કળા બેજોડ હતી. 1962માં ‘અપના બના કે દેખો’ રિલીઝ થઈ હતી. મનોજકુમાર નવોદિત હોવાના કારણે અન્ય જાણીતી અભિનેત્રીઓ કામ કરવા તૈયાર થઈ નહોતી. આ સમયે આશા પારેખે ફિલ્મ સ્વીકારી અને ત્યારબાદ મનોજકુમારને મળેલી સફળતા ઐતિહાસિક છે. આશા પારેખે તેમને ઉમદા ડાયરેક્ટર, રાઈટર અને ગીતકાર સહિત ઓલરાઉન્ડર ગણાવ્યા હતા. મનોજકુમાર સારા હોમિયોપેથિક ડોક્ટર પણ હતા. આશા પારેખ હંમેશા તેમને હોમિયોપેથિક ઉપચારો આધારિત પુસ્તક લખવાનું કહેતા, પરંતુ મનોજકુમારે આ પુસ્તક નહીં લખ્યાનો તેમને કાયમી અફસોસ છે.
વડાપ્રધાનના કહેવાથી ફિલ્મ બનાવી
1965માં મનોજકુમાર દેશભક્તિ પર આધારિત ફિલ્મ ‘શહીદ’માં સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહની ભૂમિકામાં દેખાયા હતા. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી અને તેમનાં ગીતો ‘એ વતન’, ‘એ વતન હમકો તેરી કસમ’…, ‘સરફરોશી કી તમન્ના’… અને ‘ઓ મેરે રંગ દે બસંતી…’ને ખૂબ જ પસંદ કરવામાં આવ્યાં હતાં.
તત્કાલિન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને આ ફિલ્મ એટલી પસંદ પડી કે તેમણે મનોજકુમારને તેમના ‘જય જવાન જય કિસાન’ ના નારા પર ફિલ્મ બનાવવાની સલાહ આપી. આથી મનોજકુમારે ફિલ્મ ‘ઉપકાર’ (1967) બનાવવાનું શરૂ કર્યું, જોકે તેમને ફિલ્મ લેખન કે દિગ્દર્શનનો કોઈ અનુભવ નહોતો.
એક દિવસ મનોજકુમાર મુંબઈથી દિલ્હી રાજધાની ટ્રેનમાં જતા હતા ત્યારે તેમણે અડધી ફિલ્મ ટ્રેનમાં બેસીને અને બાકીની અડધી દિલ્હીથી પરત ફરતી વખતે લખી હતી. આ ફિલ્મથી તેમણે દિગ્દર્શક તરીકેની બીજી ઇનિંગની શરૂઆત કરી હતી.
મનોજકુમારે કટોકટીનો વિરોધ કર્યો હતો
મનોજકુમાર એકમાત્ર એવા અભિનેતા હતા જેમણે તત્કાલીન ઇન્દિરા સરકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને જીત પણ મેળવી હતી. 1975માં જ્યારે ઇન્દિરા ગાંધીની સરકારે દેશમાં કટોકટી લાદી હતી, ત્યારે મનોજકુમારે તેનો વિરોધ કર્યો હતો. પરિસ્થિતિ એવી હતી કે સરકાર કટોકટીનો વિરોધ કરનારા કલાકારોની ફિલ્મો રિલીઝ થતાં જ તેના પર પ્રતિબંધ મૂકી રહી હતી. આ જ ક્રમમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયે મનોજકુમારની ફિલ્મ દસ નંબરી પર પ્રતિબંધ મૂકયો હતો. પછી તેમની બીજી ફિલ્મ શોર સાથે પણ આવું જ થયું હતું. એટલું જ નહીં, શોર રિલીઝ પહેલા જ દૂરદર્શન પર બતાવવામાં આવી હતી, જેના કારણે તે થિયેટરોમાં પહોંચી શકી નહીં અને દિલીપકુમારને મોટું નુકસાન થયું. ગુસ્સે ભરાયેલા અભિનેતાએ ઈન્દિરા સરકાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને આશ્ચર્યજનક વાત એ છે કે તે કેસ જીતી ગયા હતા.
શાહરુખ ખાન સાથે વિવાદ
શાહરૂખ ખાન દ્વારા મનોજકુમારની અવગણનાની ઘટના લાંબો સમય ચર્ચામાં રહી હતી. ફરાહ ખાને ‘ઓમ શાંતિ ઓમ’માં મજાક ઊડાવતા મનોજકુમારે કોર્ટમાં કેસ કર્યો હતો. બાદમાં મોટું મન રાખી આ કેસ પાછો ખેંચી લીધો હતો. ફિલ્મોથી દૂર રહીને પણ તેઓ અનેક લોકો માટે પ્રેરણારૂપ રહ્યા હતા. અક્ષયકુમારે સ્વીકારેલું છે કે, મનોજકુમાર પાસેથી તેમને દેશભક્તિની ફિલ્મો કરવાની પ્રેરણા મળેલી છે.
મનોજકુમારના યાદગાર ગીતો
* ચાંદ સી મહેબુબા…
* આજા તુજકો પુકારે…
* પથ્થર કે સનમ…
* બાબુલ કી દુઆએ લેતીજા…
* મેરે દેશ કી ધરતી…
* ભારત કા રહનેવાલા હું…
* તૌબા યે મતવાલી ચાલ…
* કસમે વાદે પ્યાર વફા…
* દીવાનો સે મત પૂછો…
* મૈ ના ભુલુંગા…
* જિંદગી કી ના તુટે લડી…
* મહંગાઈ માર ગઈ…
* અબ કે બરસ…
* એક પ્યાર કા નગમા…
* કોઈ જબ તુમ્હારા હ્રદય..
* ધીરે ધીરે બોલ કોઈ…
* પાની રે પાની તેરા રંગ કૈસા..
* યે પ્રીત જહાં કી રીત સદા..
* દિલ દિયા હૈ જાન ભી દેંગે…
* જહાં ડાલ ડાલ પર સોને કી …
* કર ચલે હમ ફિદા…
