ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને વય સંબંધિત બિમારીને પગલે બુધવાર, 26 જૂનની મોડી રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાંમાં દાખલ કરાયા હતા. 96 વર્ષીય ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાનને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના જૂના પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરાયા હતા અને યુરોલોજી વિભાગના ડોકટરોએ તેમની સારવાર ચાલુ કરી હતી.
તેમની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
8 નવેમ્બર, 1927ના રોજ પાકિસ્તાનના કરાચીમાં હિન્દુ સિંધી પરિવારમાં જન્મેલા અડવાણીને આ વર્ષે ભારત સરકારે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કર્યો હતો. 2015માં તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં. તેઓ 1998 અને 2004 ની વચ્ચે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)માં ગૃહ પ્રધાન હતા. 2002 અને 2004ની વચ્ચે તેમણે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડા પ્રધાનનું પદ સંભાળ્યું હતું. 10મી અને 14મી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે.
1980ના દાયકાની શરૂઆતમાં વિશ્વ હિંદુ પરિષદે અયોધ્યામાં રામજન્મભૂમિના સ્થળે મંદિર બનાવવા માટે ચળવળ શરૂ કરી હતી. બીજી તરફ અડવાણીના નેતૃત્વમાં ભાજપ રામમંદિર આંદોલનનો ચહેરો બની ગયા હતા. તેમની રથયાત્રા પછી ભાજપ એક રાષ્ટ્રીય પક્ષ બન્યો હતો.. અડવાણીએ 25 સપ્ટેમ્બર, 1990ના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ પર સોમનાથથી રામ રથયાત્રાની શરૂઆત કરી હતી.