વેદાંત ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે મંગળવારે જાહેરાત કરી હતી કે ગ્રુપ કંપની આગામી 3-4 વર્ષમાં આસામ અને ત્રિપુરામાં ઓઇલ અને ગેસ ક્ષેત્રમાં રૂ.50,000 કરોડનું રોકાણ કરશે.
એડવાન્ટેજ આસામ ઇન્વેસ્ટમેન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે ગ્રુપ કંપની કેઇર્ન ઓઇલ એન્ડ ગેસે અત્યાર સુધી આ પૂર્વોત્તર ક્ષેત્રના બે રાજ્યોમાં આશરે રૂ.2,500 કરોડનું રોકાણ કર્યું છે. આસામમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે અને તે વિશ્વનું મેગા બેસિન બનવાની ક્ષમતા ધરાવે છે. અમે આસામની ટકાઉ વૃદ્ધિ અને વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે તૈયાર છીએ. કંપનીએ આગામી 3-4 વર્ષમાં આસામ અને ત્રિપુરાના તેલ અને ગેસ ક્ષેત્રમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરવાની” યોજના ઘડી છે.
તેમણે જણાવ્યું હતું કે આ રોકાણ સાથે, અમે દરરોજ 1,00,000 બેરલ ક્રૂડ ઓઇલ અને ગેસનું ઉત્પાદન કરીશું, જે પ્રદેશને હાઇડ્રોકાર્બન હબ બનાવશે. તે 1 લાખ યુવાનો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો પણ ઉભી કરશે. આ રોકાણ હેઠળ ક્રૂડ ઓઇલ અને ગેસના ઉત્પાદન અને સંશોધનની ફેસિલિટી ઊભી કરાશે. આ ઉપરાંત વ્યાપક કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) પહેલની સાથે, વધુ ‘આંગણવાડી’ કેન્દ્રો, હેન્ડલૂમ કૌશલ્ય કેન્દ્રો, મહિલાઓ અને બાળકો માટે ડિજિટલ વર્ગખંડો અને રમતગમતને પ્રોત્સાહન અપાશે.
