બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધના દેખાવો દરમિયાન ભારતના એક કલ્ચરલ સેન્ટર અને ચાર મંદિરો પર હુમલો કરી તેમાં તોડફોડ કરાઈ હતી. હિંદુ બૌદ્ધ ક્રિશ્ચિયન યુનિટી કાઉન્સિલના નેતા કાજોલ દેબનાથે કહ્યું હતું કે તેમને એવા અહેવાલ મળ્યા છે કે દેશભરમાં ઓછામાં ઓછા 4 હિંદુ મંદિરોને નુકસાન થયું છે. વડાપ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછીની તંગ પરિસ્થિતિને પગલે હિન્દુ સમુદાયના કેટલાક નેતાઓ ભયભીત બન્યાં હતા. બાંગ્લાદેશ ખાતેના ભારતના દુતાવાસ અને હાઇકમિશનની સુરક્ષામાં પણ વધારો કરાયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બેકાબૂ ટોળાએ ઢાકાના ધનમોન્ડી વિસ્તારમાં સ્થિત ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્રને નુકસાન પહોંચાડ્યું હતું.દેખાવકારોએ ઢાકામાં 32માં બંગબંધુ મેમોરિયલ મ્યુઝિયમ તરીકે પણ ઓળખાતા બંગબંધુ ભવન સહિત ઢાકામાં અનેક મુખ્ય સ્થળોને આગ ચાંપી દીધી હતી.આ મ્યુઝિયમ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનને સમર્પિત હતું જેમની 1975માં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપતી વખતે હત્યા કરવામાં આવી હતી.