ગુજરાત સ્થિત આઈસ્ક્રીમ ઉત્પાદક કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટનો સંબંધિત વાડીલાલ ગાંધી પરિવારમાં દાયકાથી ચાલી રહેલા વિવાદનો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશ પછી ઉકેલ આવ્યો છે. કંપનીના મેનેજન્ટમાં પરિવારના સભ્ય જન્મેજય ગાંધીને સામેલ કરવાની સાથે આ મતભેદનો અંત આવ્યો હતો.
સમાધાન પછી, કંપનીએ 29 માર્ચે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને જાણ કરી હતી કે પારિવારિક સમાધાન મુજબ ગાંધી પરિવાર તેમના આંતર-વિવાદોનું સમાધાન કરવા સંમત થયો છે અને કંપનીના સંચાલનનું પુનર્ગઠન કરવા ઇચ્છુક છે તંપની કંપનીના વ્યવસાય અને કામગીરીના સંચાલન માટે સ્વતંત્ર પ્રોફેશનલ મેનેજમેન્ટ કર્મચારીઓની નિમણૂક કરીને કોર્પોરેટ ગવર્નન્સના માળાને વધુ મજબૂત બનાવશે.
આ કંપનીની સ્થાપના રણછોડલાલ વાડીલાલ ગાંધી દ્વારા કરવામાં આવી હતી અને પેઢી દર પેઢી ચાલતી આવી હતી, જેમાં પરિવારના સભ્યોમાં સમાન ભાગીદારી પર સંમતિ હતી. જોકે, 2013માં બે સંબંધીઓ રાજેશ ગાંધી અને દેવાંશુ ગાંધી દ્વારા વીરેન્દ્ર ગાંધી અને તેમના પરિવારને આઈસ્ક્રીમના વ્યવસાયમાંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારે તણાવ સર્જાયો હતો. આના પરિણામે લાંબી કાનૂની લડાઈ થઈ હતી.
વીરેન્દ્ર ગાંધીએ NCLT સમક્ષ એડવોકેટ અર્જુન શેઠ દ્વારા સમાન પ્રતિનિધિત્વ, હોદ્દો અને પગાર સાથે કંપનીમાં પુનઃસ્થાપિત કરવા માટે અરજીઓ દાખલ કરી હતી. જુલાઈ 2024માં ટ્રિબ્યુનલે તેમને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો. આ આદેશને રાજેશે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT) સમક્ષ પડકાર્યો હતો.
જોકે, આ દરમિયાન, પરિવારના સભ્યો વચ્ચે કોર્ટની બહાર સમાધાન થયું હતું. કરારના ભાગ રૂપે, વીરેન્દ્રના પુત્ર જન્મેજય ગાંધીને વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવશે. રાજેશ અને દેવાંશુ પણ કંપનીના આ હોદ્દા પર છે.
