વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે નવી દિલ્હીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાનને મળ્યા હતાં. (ANI Photo)

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને સોમવારે જણાવ્યું હતું કે અમેરિકાની સરકાર ભારતીય પરમાણુ એકમો પરના નિયંત્રણો દૂર કરવાની પ્રક્રિયામાં છે. અમેરિકા ભારત સાથે ગાઢ ઊર્જા સહકાર કરવા માગે છે તથા 20 વર્ષ પહેલા કરવામાં આવેલા સીમાચિહ્નરૂપ પરમાણુ કરારને પ્રોત્સાહન આપવા માગે છે.

2007માં તત્કાલીન પ્રેસિડન્ટ જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને ભારતના તત્કાલિકન વડાપ્રધાન મનમોહનસિંહ વચ્ચે નાગરિક પરમાણુ કરાર થયા હતાં. તે સમયે અમેરિકાએ ભારતને નાગરિક પરમાણુ ટેકનોલોજી વેચવાની મંજૂરી આપી હતી. વોશિંગ્ટન અને નવી દિલ્હી 2000ના દાયકાના મધ્યભાગથી ભારતને યુએસ પરમાણુ રિએક્ટરના સપ્લાય અંગે ચર્ચા કરી રહ્યા છે. જોકે વૈશ્વિક ધોરણોને અનુરૂપ ભારત પણ પરમાણુ દુર્ઘટનાના કિસ્સામાં નિયમોનું પાલન કરે તેવો અમેરિકાનો આગ્રહ છે.

નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સુલિવાને જણાવ્યું હતું કે યુનાઈટેડ સ્ટેટ્સ હવે ભારતની અગ્રણી પરમાણુ સંસ્થાઓ અને યુએસ કંપનીઓ વચ્ચે નાગરિક પરમાણુ સહકારને અટકાવતા લાંબા સમયથી ચાલતા નિયમોને દૂર કરવા માટે જરૂરી પગલાંને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. તેનાથી ભારત અને અમેરિકા વચ્ચેની અગ્રણી પરમાણુ કંપનીઓ વચ્ચે સહયોગ કરી શકાશે. ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશ અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે લગભગ 20 વર્ષ પહેલાં નાગરિક પરમાણુ સહકારનું વિઝન રજૂ કર્યું હતું, આપણે હજી સુધી તેને સંપૂર્ણ રીતે સાકાર કરી શક્યા નથી.
નાગરિક પરમાણુ સહકાર પરની અમેરિકાના ટોચના અધિકારીનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તેનાથી યુએસની કંપનીઓ ભારતમાં પરમાણુ પાવર પ્લાન્ટનું નિર્માણ કરી શકશે.

1998માં ભારતે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યા પછી અમેરિકાએ 200થી વધુ ભારતીય સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, જોકે દ્વિપક્ષીય સંબંધો વિકસિત ઘણી સંસ્થાઓને પ્રતિબંધોમાંથી દૂર કરાઈ છે.

 

LEAVE A REPLY