FILE PHOTO: વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો 2024. REUTERS/Fausto Torrealba/File Photo

અમેરિકાના પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ અમેરિકાએ સોમવારે ડોમિનિકન રિપબ્લિકમાં વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોનું વિમાન જપ્ત કર્યું અને તેને ફ્લોરિડામાં લાવવામાં આવ્યું હતું. ડેસોલ્ટ ફાલ્કન 900EX ખાનગી જેટનો ઉપયોગ માદુરો અને તેમની સરકારના સભ્યો કરતાં હતા.

અમેરિકાના ન્યાય વિભાગે કહ્યું હતું કે જેટ “ગેરકાયદેસર રીતે ખરીદવામાં આવ્યું હતું. એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ન્યાય વિભાગે એક એરક્રાફ્ટને જપ્ત કર્યું હતું જે બનાવટી કંપનીએ ગેરકાયદેસર રીતે $13 મિલિયનમાં ખરીદ્યું હતું અને નિકોલસ માદુરો અને મિત્રોના ઉપયોગ માટે અમેરિકાની બહાર લઈ જવાયું હતું.

છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના સંબંધ વણસેલા છે અને તેમાં હવે આ નવો મુદ્દો ઉમેરાયો છે. અમેરિકાનું માનવું છે કે વેનેઝુએલાની સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે અને તે તેની તપાસ કરી રહ્યું છે. અમેરિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આનાથી ટોચના લોકોમાં એક મેસેજ ગયો છે. ક્રિમિનલ બાબતોને લઈને કોઈ દેશના વડાનું પ્લેન જપ્ત કરવામાં આવ્યું હોય તેવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી. અમે સ્પષ્ટ મેસેજ આપવા ઈચ્છીએ છીએ કે કાયદાથી કોઈ ઉપર નથી અને યુએસ પ્રતિબંધોના પહોંચની ઉપર કોઈ નથી. માર્ચ 2020માં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે માદુરો તથા વેનેઝુએલાના 14 વર્તમાન અને ભૂતપૂર્વ અધિકારીઓ પર નાર્કો-ટેરરિઝમ, ડ્રગ હેરફેર અને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો.

વેનેઝુએલાની સરકારે સોમવારે એક નિવેદનમાં પ્લેન જપ્ત કરવાની ઘટનાને “ચાંચિયાગીરી” ગણાવી હતી અને વોશિંગ્ટન પર આ જુલાઈમાં યોજાયેલી પ્રમુખ પદની ચૂંટણી પછી માદુરોની સરકાર તરફ “આક્રમકતા” વધારવાનો આરોપ મૂક્યો હતો.

LEAVE A REPLY