અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયાનું રેટિંગ ઘટીને 43 ટકા થઈ ગયું છે, જે તેમના ફરીથી સત્તારૂઢ થયા પછીનો સૌથી નીચો આંક છે. સમાચાર સંસ્થા- રોયટર્સ/ઇપ્સોસના એક સર્વે મુજબ, ટ્રમ્પની લોકપ્રિયતા (રેટિંગ) પ્રેસિડેન્ટ તરીકે તેમનો બીજો કાર્યકાળ શરૂ થયા પછી તેમને મળેલી 47 ટકા સ્વીકૃતી કરતાં ચાર પોઇન્ટ ઘટી છે અને 21થી 23 માર્ચ દરમિયાન યોજાયેલા સર્વે કરતાં બે ટકા પોઇન્ટ ઓછી છે. ત્રિદિવસીય સર્વેનું ગત બુધવારે સમાપન થયું હતું.
ગત મહિને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની સિગ્નલ ચેટ વિવાદ મામલે તપાસ થઇ હતી. જેમાં એક પત્રકારને ભૂલથી યમનમાં હૌથીના સ્થળો પર હુમલાની યોજનાઓની ચર્ચા કરી રહેલા અમેરિકાના ઉચ્ચ અધિકારીઓના ગ્રુપ ચેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. વધુમાં, ટ્રમ્પની ટેરિફ નીતિએ પણ વૈશ્વિક સ્તરે હાહાકાર મચાવ્યો છે. આ બંને મુદ્દાઓએ તેમની લોકપ્રિયતામાં ભૂમિકા ભજવી હોય તેવું માનવામાં આવે છે.
સર્વેના 52 ટકા જેટલા ઉત્તરદાતા એ નિવેદન સાથે સહમત થયા હતા કે, 2 એપ્રિલના ‘લિબરેશન ડે’ ના રોજ જાહેર કરવામાં આવેલો ઓટો અને ઓટો પાર્ટ્સ પરનો ટેરિફ વધારો ટ્રમ્પના નજીકના લોકોને નુકસાન પહોંચાડશે. રોયટર્સને સર્વેના તારણમાં જણાયું હતું કે, ટેરિફ વધારવાથી દેશને ફાયદા કરતાં નુકસાન વધુ થશે. અંદાજે ત્રીજા ભાગના અમેરિકનો, જે મોટાભાગના રીપબ્લિકન પાર્ટીના હતા, તેમણે કહ્યું કે તેઓ ટેરિફથી નુકસાન થશે તેવા નિવેદનોના સમર્થનમાં તેઓ નથી.
આ સર્વેમાં જણાયું હતું કે, ટ્રમ્પને અર્થતંત્ર ચલાવવામાં નિષ્ફળતા બદલ ઓછા ગુણ મળ્યા છે, જેનો 37 ટકા લોકોએ સ્વીકાર કર્યો છે, જ્યારે ૩૦ ટકા લોકોએ ગુજરાન ચલાવવાના વધુ ખર્ચના નિવારણ માટેની તેમની નીતિને સ્વીકારી હતી. બીજી તરફ, સર્વેમાં ફક્ત 34 ટકા ઉત્તરદાતાઓએ ટ્રમ્પની વિદેશ નીતિને સ્વીકારી હતી, જે 21થી 23 માર્ચના રોયટર્સ/ઇપ્સોસ સર્વેમાં 37 ટકાથી ઓછી છે. 48 ટકા ઉત્તરદાતાઓએ ટ્રમ્પની ઇમિગ્રેશન બાબતની કાર્યવાહીને આવકારી હતી.
