ઇઝરાયેલે ઇરાનમાં ઘુસી ગાઝાના ટોચના નેતાની હત્યા કર્યા પછી ઇરાનના સંભવિત વળતા હુમલાની ધારણા વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ફાઇટર જેટ સ્ક્વોડ્રન સહિત વિમાન વાહક સહિતના યુદ્ધ જહાજો મધ્યપૂર્વમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ યુદ્ધજહાજો ઇરાન કે તેની સાથે સંકળાયેલા ત્રાસવાદી ગ્રુપના હુમલા સામે ઇઝરાયેલનું રક્ષણ કરશે.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને યુરોપીયન અને મધ્યપૂર્વ વિસ્તારોમાં બેલેસ્ટિક મિસાઈલથી રક્ષણ આપતા વધારાના ક્રુઝર અને ડિસ્ટ્રોયર જહાજ તૈનાત કરવાનો પણ આદેશ આપ્યો છે તથા આ વિસ્તારોમાં જમીન આધારિત બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ગોઠવવાના પણ પગલાં લઈ રહ્યાં છે.
જો બાઇડને ગુરુવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરી હતી તથા બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી સંભવિત હુમલાઓ સામે રક્ષણ આપવા માટે અમેરિકાની મિલિટરી તૈનાત કરવાની ઓફર કરી હતી. એપ્રિલમાં ઇરાને ઇઝરાયેલ પર સંખ્યાબંધ મિસાઇલો છોડી હતી, જેને અમેરિકાની લશ્કરી દળોએ હવામાં જ તોડી પાડીને ઇઝરાયેલને મદદ કરી હતી.
લોયડ ઓસ્ટિને થિયોડોર રૂઝવેલ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપના સ્થાને અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપને મધ્ય પૂર્વમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ફાઇટર જેટ સ્ક્વોડ્રન ક્યાથી આવશે મધ્યપૂર્વમાં તેને ક્યાં તૈનાત કરાશે તેની પેન્ટાગોને કોઇ માહિતી આપી ન હતી, પરંતુ સંખ્યાબંધ સાથી દેશો અમેરિકાનો બેઝ બનવા તૈયાર છે.
આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાના પ્રમુખ જો બાઇડેને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામીન નેતન્યાહૂ સાથે વાતચીત કરીને સલામતીના તમામ પાસાની ચકાસણી કરી હતી અને તેને જરૂરી મદદ આપવા પણ કહ્યું હતું. બાઇડેને માત્ર શસ્ત્રો જ નહિ સૈનિકો મોકલવાની પણ ઇઝરાયેલને ઓફર કરી હતી. હાલમાં અમેરિકાના પ્રમુખપદની રેસમાં ઝુકાવેલા કમલા હેરિસે પણ નેતન્યાહૂ સાથે વાત કરી હતી. બીજી બાજુ આતંકી સંગઠન હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર રોકેટ મારો શરૂ કરી દીધો છે. ઇઝરાયેલે પણ વળતો જવાબ આપવા માટે કમર કસી લીધી છે.
વેસ્ટ બેન્કમાં ઇઝરાયેલના હવાઇહુમલામાં 9ના મોત
ઇઝરાયેલે શનિવારે નોર્ધન વેસ્ટ બેન્કમાં કરેલા બે હવાઇહુમલામાં નવ પેલેસ્ટિનિયનોના મોત થયા હતાં. ગાઝામાં યુદ્ધને લઇને તણાવમાં વધારો થયો છે ત્યારે ઇઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં પણ હિંસા ભડકી છે. ઇઝરાયેલી આર્મીએ જણાવ્યું હતું કે તેને તુલ્કારેમ શહેરના ગ્રામીણ વિસ્તારમાં એક વ્હિકલને ટાર્ગેટ બનાવ્યું હતું, જેમાં પાંચના મોત થયા હતા. આમાંથી પાંચ હમાસના આતંકવાદીઓ હતા.