પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપવાના થોડા દિવસો પહેલા બાઇડન સરકારે ઇન્ડિયન રેર અર્થ, ઇન્દિરા ગાંધી પરમાણુ સંશોધન કેન્દ્ર (IGCAR) અને ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (BARC) સહિતની ત્રણ પરમાણુ સંસ્થાઓ પરના પ્રતિબંધો હટાવવાની જાહેરાત કરી હતી. ભારતે અણુ ધડાકા કર્યા ત્યારે શીતયુદ્ધના યુગમાં અમેરિકાએ આ પ્રતિબંધ લાદ્યા હતાં.

અગાઉ ભારતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને જણાવ્યું હતું કે અમેરિકાની સરકાર ભારતીય પરમાણુ એકમો પરના નિયંત્રણો દૂર કરવાની પ્રક્રિયામાં છે. અમેરિકા ભારત સાથે ગાઢ ઊર્જા સહકાર કરવા માગે છે તથા 20 વર્ષ પહેલા કરવામાં આવેલા સીમાચિહ્નરૂપ પરમાણુ કરારને પ્રોત્સાહન આપવા માગે છે.

અમેરિકાના કોમર્સ ડિપાર્ટમેન્ટના બ્યુરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટી (BIS)એ બુધવારે જણાવ્યું હતું કે શીત યુદ્ધના યુગ દરમિયાન ત્રણ ભારતીય સંસ્થાઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાથી બંને દેશો વચ્ચે આધુનિક ઊર્જા સહકાર સામેના અવરોધ દૂર થશે. તેનાથી બંને દેશો સંયુક્ત ઉર્જા સુરક્ષા જરૂરિયાતો અને લક્ષ્યો તરફ સંયુક્ત સંશોધન અને વિકાસ અને વિજ્ઞાન અને ટેકનોલોજી સહકાર સાધી શકશે.

ભારતની સંસ્થાઓ પર પ્રતિબંધ હટાવવાની સાથે અમેરિકાએ ચીનની 11 સંસ્થાઓને એન્ટીટી લિસ્ટમાં સામેલ કરી છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિના હિતની વિરુદ્ધમાં કામગીરી બદલ ચીની સંસ્થાઓ પર આ કાર્યવાહી કરાઈ હતી.

BISએ જણાવ્યું હતું કે યુએસ અને ભારત શાંતિપૂર્ણ પરમાણુ સહયોગ તથા સંબંધિત સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે પ્રતિબદ્ધત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બંને દેશો વચ્ચે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહકારમાં વઝારો થયો છે, તેનાથી બંને દેશો અને તેમના ભાગીદાર દેશોને લાભ થયો છે.
ત્રણ ભારતીય સંસ્થાઓ પરના પ્રતિબંધોને હટાવી લેવાથી ક્રિટિકલ મિનરલ અને ક્લીન એનર્જી સપ્લાય ચેઇનમાં બંને દેશો વચ્ચેના સહકારમાં વધારો થશે. યુ.એસ.માં ભારતના ભૂતપૂર્વ રાજદૂત, તરનજીત સિંહ સંધુએ આ પગલાને આવકાર્યું હતું.

2007માં તત્કાલીન પ્રેસિડન્ટ જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને ભારતના તત્કાલિકન વડાપ્રધાન મનમોહનસિંહ વચ્ચે નાગરિક પરમાણુ કરાર થયા હતાં. તે સમયે અમેરિકાએ ભારતને નાગરિક પરમાણુ ટેકનોલોજી વેચવાની મંજૂરી આપી હતી. વોશિંગ્ટન અને નવી દિલ્હી 2000ના દાયકાના મધ્યભાગથી ભારતને યુએસ પરમાણુ રિએક્ટરના સપ્લાય અંગે ચર્ચા કરી રહ્યા છે.

LEAVE A REPLY