અમેરિકાની ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો હતો. વ્યાજદરોમાં ઘટાડો કરવામાં ફેડ ધીમી ગતિ અપનાવશે તેવા સંકેતો મળતાં વિશ્વભરના ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં ભારે વેચવાલી આવી હતી. સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત કર્યા પછી ફેડે અત્યાર સુધી ત્રણ તબક્કામાં વ્યાજદરમાં ટોચના સ્તરથી એક ટકાનો ઘટાડો કર્યો છે.
ફેડના નીતિ નિર્માતાઓએ સેન્ટ્રલ બેંકના મુખ્ય ધિરાણ દરને ઘટાડીને 4.25 ટકા અને 4.50 ટકા કરવા માટે 11 વિરુદ્ધ 1 મતથી નિર્ણય કર્યો હતો. ફેડે અગાઉ ધારણા વ્યક્ત કરી હતી કે તે નવા વર્ષમાં વ્યાજદરમાં ચાર વખત ઘટાડો કરશે. પરંતુ હવે માત્ર બે વખત ઘટાડો કરવાનો અંદાજ આપ્યો છે. તેનાથી ફાઇનાન્શિયલ માર્કેટ્સને નેગેટિવ અસર થઈ હતી.
ફેડના વડા જેરોમ પોવેલે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે ફુગાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ તે ફેડના બે ટકાના લાંબા ગાળાના લક્ષ્યાંકની તુલનામાં હજુ થોડો ઊંચો છે. અમેરિકામાં ફુગાવો નવા વર્ષમાં 2.5 ટકાની નજીક રહેવાનો અંદાજ છે અને 2027 પહેલા બે ટકાના સ્તરે પરત આવે તેવી શક્યતા નથી. જોકે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા માટે કેટલાક સારા સમાચારમાં, FOMC સભ્યોએ આ વર્ષે આર્થિકવૃદ્ધિ માટેનો તેમનો અંદાજ વધારીને 2.5 ટકા અને 2025માં 2.1 ટકા કર્યો હતો.