યુએસ ફેડરલ રિઝર્વે તેની ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બે દિવસની બેઠક પછી વ્યાજદરમાં હાલમાં કોઇ ફેરફાર ન કરવાની 31 જુલાઇએ જાહેરાત કરી હતી. વોલ સ્ટ્રીટની ધારણા મુજબ જ ફેડે તેની સતત આઠમી બેઠક પછી પણ બેન્ચમાર્ક વ્યાજ દરોને 5.25 ટકા અને 5.50 ટકાની રેન્જમાં યથાવત રાખ્યાં હતાં.
ફેડના ચેરમેન જેરોમ પોવેલની આગેવાની હેઠળની રેટ-સેટિંગ પેનલે સર્વસંમતિથી પોલિસી રેટને 23-વર્ષના ઊંચા સ્તરે જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. યુએસ સેન્ટ્રલ બેંકે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ફુગાવાને નીચો લાવવા માટે ધિરાણ દરને સતત 12 મહિના સુધી ઊંચા સ્તરે જાળવી રાખ્યાં છે.
જોકે પોવેલે સપ્ટેમ્બરમાં આગામી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડાનો સંકેત આપ્યો હતો. પોવેલે જણાવ્યું હતું કે જો ફુગાવામાં ઘટાડો ચાલુ રહેશે તો ફેડની આગામી બેઠકમાં પોલિસી રેટમાં ઘટાડો થઈ શકે છે. કમિટીના મોટાભાગના સભ્યોનો અભિપ્રાય હતો કે અર્થતંત્ર એવા તબક્કામાં આવ્યું છે કે પોલિસી રેટમાં ઘટાડો યોગ્ય હશે. તેના નીતિવિષયક નિવેદનમાં ફેડે ઉલ્લેખ કર્યો હતો કે યુએસ ફુગાવો પાછલા એક વર્ષમાં હળવો થયો છે ,પરંતુ ‘કંઈક અંશે ઊંચો’ છે.