અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ યુએસ H-1B વિઝા પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે નવા નિયમો જારી કર્યા પછી ભારત ખાતેના અમેરિકન દૂતાવાસે ગુરુવારે H-1B વિઝા સહિતના નોન ઇમિગ્રન્ટ વિઝાની પ્રક્રિયાને સરળ બનાવવા અને વેઇટિંગ પીરિયડમાં ઘડાડો કરવા માટે નવા નિયમોનો જારી કર્યા હતાં. આ નિયમોનો અમલ પહેલી જાન્યુઆરી 2025થી થશે.
નવા વિઝા એપોઇન્ટમેન્ટ નિયમો હેઠળ અરજદારો વધારાની ફી ચૂકવ્યા વિના તેમની એપોઇન્ટમેન્ટ એકવાર ફરીથી શિડ્યૂલ કરી શકશે. પરંતુ જો અરજદારો તેમની પુનઃનિર્ધારિત એપોઇન્ટમેન્ટ ચૂકી જાય અથવા વધુ એક વખત નવી તારીખ લેવા માગતા હશે તો તેઓએ નવી એપોઇન્ટમેન્ટ બુક કરવી પડશે અને ફરીથી ફી ચૂકવવી પડશે.
દૂતાવાસે જણાવ્યું હતું કે આ ફેરફારોથી દરેક માટે એપોઇન્ટમેન્ટ મેળવવાનું સરળ અને ઝડપી બનશે. જોકે આની સાથે એમ્બેસીએ તમામ અરજદારોને તેમની એપોઇન્ટમેન્ટ વખતે હાજરી આપવા અનુરોધ કર્યો હતો, જેથી સમગ્ર પ્રક્રિયા સરળ અને કાર્યક્ષમ બની રહે.
બાઇડન સરકારે પણ H-1B વિઝા નિયમોમાં ફેરફાર કર્યો છે. તેનો હેતુ વિઝા પ્રક્રિયાને ઝડપી બનાવવાનો અને દુરુપયોગને ડામવાનો છે. આ નિયમો 17 જાન્યુઆરી 2025થી અમલી બનશે. H-1B વિઝા માટેના અરજદારોએ હવે દર્શાવવું પડશે કે તેમની ડિગ્રી તેમની નોકરી સાથે સીધી રીતે સંબંધિત છે. તેનાથી આ વિઝા પ્રોગ્રામના દુરુપયોગ પર અંકુશ આવશે. નવા નિયમોને પૂર્વ મંજૂરીને આધારે એક્સ્ટેન્શન રિકવેસ્ટ પ્રોસેસ કરવાની ઇમિગ્રેશન અધિકારીઓને સત્તા અપાઈ છે. ઇમિગ્રેશન અધિકારીઓને નોકરીના સ્થળે નિયમ પાલન અંગેનું પણ ચેકિંગ કરી શકશે. નવા નિયમોમાં ઇન્ટરવ્યૂ માફી પ્રોગ્રામ પણ ચાલુ કરાયો છે, જે મુજબ અગાઉના અરજદારો તેમના અગાઉના રેકોર્ડનો ઉપયોગ કરીને રૂબરુ ઇન્ટરવ્યૂમાંથી પણ મુક્તિ મેળવી શકશે.
