અમેરિકાથી ડીપોર્ટ થઇને ભારત પરત મોકલાયેલા લોકોમાં ગુજરાતના 33 લોકોનો સમાવેશ થાય છે. આ ગુજરાતીઓમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. આ પૈકીના ઘણાખરા ગ્રામ્ય વિસ્તારના છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના જોરણંગ, વસાઈ, ડાભલા, ચંદ્રનગર, ખેરવા, મેઉ, ખણુંસા, ડભાડા, વાલમ, ડીસા, સિઘ્ધપુર, બોરૂ, વડસ્મા, માણસા, મણુંદ, ઈન્દ્રપુરા સહિતના ગામોના લોકોનો સમાવેશ થાય છે.
મહેસાણા જિલ્લામાં ખેરવા, જોરણંગ, મેઉ આસપાસના ગામડાઓને ડોલરિયો વિસ્તાર તરીકે જાણીતો છે. આ વિસ્તારમાંથી અનેક લોકો વર્ષોથી અમેરિકા સહિત વિદેશોમાં વસવાટ કરતાં હોવાનું જાણવા મળે છે. અમેરિકાથી ડીપોર્ટેશનની ઘટના બાદ આ વિસ્તાર ફરી ચર્ચામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, મહેસાણા તાલુકાના મેઉ ગામના પરામાં રહેતા 60 જેટલા લોકો હાલમાં અમેરિકા સહિત અન્યા દેશોમાં વર્ષોથી વસવાટ કરી રહ્યા હોવાનુ માનવામાં આવે છે. ત્યારે અમેરિકન સરકારે ડીપોર્ટ કરેલ ભારતિયોમાં મેઉ ગામની એક મહિલા તેમજ 7 માસ અગાઉ અમેરિકાની વાટ પકડનાર ખેરવા ગામની યુવતીનો સમાવેશ થાય છે. બંને ગામોમાં લોકો સાથે આ અંગે વાતચીત કરવાનો પ્રયત્ન કરતાં પરિવાર કે ગ્રામજનો કંઈ પણ કહેવા તૈયાર થયા ન હતા.
ગેરકાયદે અમેરિકામાં રહેતા મૂળ ગાંધીનગરના માણસા અને હાલ નડિયાદના મંજીપુરા નજીક રહેતા પરિવારના યુવક સ્મિત પટેલને ડીપોર્ટ કરાયો હતો. જો કે, આ અંગે યુવકના પરિવારે મૌન સેવ્યું હતું. જ્યારે આણંદ જિલ્લાના પેટલાદની શિવાની પ્રકાશગીરી ગૌસ્વામી (ઉં.વ.27) પરિવાર પેટલાદમાં હાલ નહીં હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુરના દાભલા ગામમાં રહેનાર યુવતીની એક કહાની સામે આવી છે. જેમાં તે યુરોપનું કહીને અમેરિકા પહોંચી હતી. અને હવે આ યુવતી સ્વદેશ પરત ફરી છે. સુરતમાં રહેનાર અન્ય એક યુવકની પણ ગેરકાયદેસર પ્રવાસી તરીકે દેશ નિકાલ કરવામાં આવ્યો છે. સુરતના ડિંડોલીમાં રહેનાર યુવકને અમેરિકાથી ડીપોર્ટ કરવામાં આવ્યો છે. તો આ તરફ ગાંધીનગરમાં રહેનાર એક પરિવાર પણ દેશ નિકાલનો ભોગ બન્યો છે.

LEAVE A REPLY