ભારતની એજ્યુકેશન ટેકનોલોજી કંપની બાયજૂએ આઠ ઓગસ્ટે જણાવ્યું હતું કે ભારતીય ક્રિક્રેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથેના સેટલમેન્ટને અટકાવવાના લેણદારોના પ્રયાસોને અમેરિકાની એક કોર્ટે ફગાવી દીધા છે અને કોર્ટનો ચુકાદો કંપનીને ફરી બેઠી કરવાના પ્રયાસો માટેની મોટી જીત છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતનું આ એજ્યુકેશન સ્ટાર્ટ-અપ એક સમયે 22 બિલિયન ડોલરનું વેલ્યુએશન ધરાવતું હતું, પરંતુ ઝડપથી વિસ્તરણ કરવાના પ્રયાસમાં નાણાકીય મુશ્કેલીમાં મુકાયું છે.
કંપનીએ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે $19 મિલિયનના ચુકવણી વિવાદ કેસનું સમાધાન કર્યું હતું. જોકે બાયજૂ ગ્રુપની કંપનીમાં કેટલાંક લેણદારોનું પ્રતિનિધિત્વ કરતાં અમેરિકા સ્થિત ગ્લાસ ટ્રસ્ટ તેનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે બાયજુના સ્થાપક રવીન્દ્રન અને તેમના ભાઈએ BCCI લેણાંની ચુકવણી માટે ધિરાણકર્તાઓના બાકી નાણાંનો ઉપયોગ કર્યો છે. ડેલવેર બેન્કરપ્સી કોર્ટના ન્યાયાધીશ બ્રેન્ડન શેનને બીસીસીઆઈ સાથેના સેટલમેન્ટને અટકાવવા માટે કામચલાઉ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.