આંદામાન અને નિકોબારમાં નોર્થ સેન્ટીનેલ ટાપુના પ્રતિબંધિત આદિવાસી અનામત વિસ્તારમાં પ્રવેશવાના આરોપમાં એક અમેરિકન નાગરિકની ધરપકડ કરાઈ હતી. ૩૧ માર્ચે CIDએ મિખાઈલો વિક્ટોરોવિચ પોલિઆકોવ (૨૪)ની કથિત રીતે કોઈપણ પરવાનગી વિના ઉત્તર સેન્ટીનેલ ટાપુમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે અમેરિકન નાગરિક 26 માર્ચે પોર્ટ બ્લેર પહોંચ્યો હતો અને કુર્મા ડેરા બીચથી ઉત્તર સેન્ટીનેલ ટાપુ તરફ ગયો હતો. તે એક કલાક સુધી દરિયા કિનારા પર રહ્યો. આદિવાસીઓનું ધ્યાન ખેંચવા માટે સીટી વગાડતો રહ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.પોલીસે જણાવ્યું હતું કે, પોલિકોવના પિતા યુક્રેનિયન મૂળના છે, તેની પાસેથી ગોપ્રો કેમેરા મળી આવ્યો હતો, અને તેના ફૂટેજમાં તેમને નોર્થ સેન્ટીનેલ ટાપુ પર ઉતરતા દર્શાવવામાં આવ્યા હતાં.ધરપકડની જાણ ગૃહ વિભાગને કરવામાં આવી હતી જેથી વિદેશ મંત્રાલય અને યુએસ દૂતાવાસને વધુ માહિતી મળી શકે.
આ ટાપુ પર સેન્ટિનેલીઝ આદિવાસી રહે છે અને તેમને સંવેદનશીલ આદિવાસી જૂથ જાહેર કરાયેલા છે. તેઓ બહારના લોકોને સ્વીકારતા નથી અને તેમના પર હુમલા કરે છે. તેઓ ટાપુ પર આવતા અથવા ઉતરતા લોકોને મારે નાંખે છે. નવેમ્બર 2018માં અમેરિકન મિશનરી જોન ચાઉની હત્યા કરાઈ હતી.
