પહેલગામ ત્રાસવાદી હુમલા પછી અમેરિકાએ જમ્મુ અને કાશ્મીર તથા ભારત અને પાકિસ્તાન સરહદની 10 કિમીની અંદર મુસાફરી ન કરવા માટે તેના નાગરિકોને બુધવારે એડવાઈઝરી જારી હતી.
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓની હત્યા કર્યા પછી વોશિંગ્ટને આ વોર્નિંગ આપી હતી. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ અને હિંસક અશાંતિ શક્ય છે. આ રાજ્યની મુસાફરી કરશો નહીં (પૂર્વીય લદ્દાખ ક્ષેત્ર અને તેની રાજધાની લેહની મુલાકાતો સિવાય). આ વિસ્તારમાં હિંસાની ઘટનાઓ બની રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા (LOC) પર હિંસા સામાન્ય છે. કાશ્મીર ખીણના પ્રવાસન સ્થળો: શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામમાં પણ હિંસા થઈ શકે છે.
અમેરિકાએ તેના નાગરિકોને “સશસ્ત્ર સંઘર્ષની સંભાવનાને કારણે” ભારત-પાકિસ્તાન સરહદથી 10 કિલોમીટરની અંદર જવાનું ટાળવા પણ કહ્યું હતું.
