જર્મનીનાં ઉર્સુલા વોન ડેર લીયેન યુરોપિયન કમિશનનાં પ્રેસિડેન્ટ પદે ગુરુવારે ફરીથી ચૂંટાયા હતા. તેમણે યુરોપને “ડીફેન્સ યુનિયન” બનાવવા અને ઉદ્યોગ પરના બોજને ઘટાડતાં યુરોપને પર્યાવરણીય પરિવર્તન માર્ગ પર રાખવાનો સંકલ્પ લીધા પછી બીજા કાર્યકાળ માટે ચૂંટાયા હતા.
આ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં યુરોપિયન સંસદના 720 સભ્યો મતદાન કર્યું હતું, જેમાં તેમની તરફેણમાં 401 અને વિરુદ્ધમાં 284 મત હતા, જ્યારે 15 સભ્યો ગેરહાજર હતા. સ્ટ્રાસબર્ગમાં સંસદને સંબોધતી વેળાએ વોન ડેર લીયેને સમૃદ્ધિ અને સુરક્ષા પર કેન્દ્રિત એક કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી, જેમાં યુક્રેનમાં રશિયાના યુદ્ધ, વૈશ્વિક આર્થિક સ્પર્ધા અને જળવાયુ પરિવર્તનના પડકારોની ચર્ચા કરવામાં આવી હતી. વોને તેમની આ ગુપ્ત ચૂંટણી અગાઉ જણાવ્યું હતું કે, “આવનારા પાંચ વર્ષ હવે પછીના પાંચ દસકા માટે વિશ્વમાં યુરોપનું સ્થાન નિશ્ચિત કરશે. તે એ બાબત નક્કી કરશે કે આપણે આપણું પોતાનું ભવિષ્ય ઘડીએ છીએ કે પછી તેને ઘટનાઓ અથવા અન્યની રીતે ઘડવા દઇએ છીએ.” રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સમર્થન આપવાનું વચન આપ્યા પછી લીયેને કહ્યું હતું કે, યુરોપની સ્વતંત્રતા સામે જોખમ છે અને તેણે સંરક્ષણમાં વધુ રોકાણ કરવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, લીયેન જર્મનીનાં ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન છે અને તેમણે હવાઈ અને સાયબર સંરક્ષણ અંગેના મુખ્ય પ્રોજેક્ટ સાથે સાચા અર્થમાં “યુરોપિયન ડીફેન્સ યુનિયન” બનાવવાનું વચન આપ્યું હતું.

LEAVE A REPLY