ઇસ્ટ લંડનના રાજકારણી, ભૂતપૂર્વ માનવ અધિકાર સોલીસીટર અને 2016થી સિટી હોલમાં લંડન એસેમ્બલી મેમ્બરના સભ્ય તરીકે ચૂંટાતા ઉન્મેશ દેસાઈ મેટ પોલીસની તપાસમાં ક્લીન ચીટ મળ્યા બાદ લેબર પાર્ટીમાં ફરીથી જોડાવા માટે તૈયાર છે.
દેસાઇના સીટી એન્ડ ઇસ્ટ મતવિસ્તારમાં ન્યુહામ, ટાવર હેમલેટ્સ, બાર્કિંગ અને ડેગેનહામ અને લંડન શહેરનો સમાવેશ થાય છે. મેટ પોલીસની તપાસ દરમિયાન તેમને લેબર પાર્ટીમાંથી વહીવટી રીતે સસ્પેન્ડ કરાયા હતા પરંતુ મનાય છે કે તેમને આગામી અઠવાડિયામાં ઔપચારિક રીતે ફરીથી લેબર પાક્ષમાં દાખલ કરવામાં આવશે.
જાન્યુઆરીમાં સોન્ડર્સ લોના અલી પાર્કર દ્વારા શ્રી દેસાઈના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે “ડિસેમ્બર 2024ના અંતથી આજ સુધી, હું પોલીસ તપાસનો વિષય હતો. મેં અત્યાર સુધી આ અંગે કોઈ જાહેર ટિપ્પણી કરી નથી. મેં પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. મેં મારી નિર્દોષતા જાળવી રાખીને, ઇન્ટરવ્યુમાં પોલીસના બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે. મને આજે જાણ કરવામાં આવી છે કે પોલીસ મારા કેસ બાબતે આગળ કોઈ કાર્યવાહી કરી રહી નથી. મેં હંમેશા આપણી ન્યાય વ્યવસ્થા અને મેટ્રોપોલિટન પોલીસમાં મારો વિશ્વાસ જાળવી રાખ્યો છે.’’
તેમણે કહ્યું હતું કે “જોકે, મને દુઃખ છે કે કેટલાક મીડિયા આઉટલેટ્સ, રાજકીય બ્લોગર્સ અને Xના યુઝર્સે મારા પર કોઈપણ ગુનાનો આરોપ મૂકાય તે પહેલાં મારું નામ આ તપાસ સાથે જોડ્યું હતું. મારું નામ કલંકિત કરવામાં આવ્યું છે તે યોગ્ય નથી.”
જોકે, તેમની સામે કયા કારણોસર તપાસ કરાઇ હતી તે જાણી શકાયું નથી. મેટ પોલીસે પણ તપાસની પ્રકૃતિ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
