તાજેતરમાં જ જાહેર થયેલી સદગત ઉદ્યોગપતિ રતન તાતાની વસિયતનામાની કેટલીક વિગતો પ્રમાણે સ્વ. તાતાએ પોતાની સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ 500 કરોડ રૂપિયા મોહિની મોહન દત્તાને આપવાનું નક્કી કર્યું છે. મોહિની મોહન દત્તા એવા વ્યક્તિ છે જેના વિશે બહુ જ ઓછા લોકો જાણે છે. એમના વસિયતનામામાં આ નામ જોઈને તાતા પરિવાર સહિત બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આપણે તેમના વિશે જાણીએ.
જમશેદપુરના રહેવાસી મોહિની મોહન દત્તા ટ્રાવેલ ક્ષેત્રમાં સક્રિય છે. તેઓ સ્ટેલિયન નામની ટ્રાવેલ કંપનીના માલિક હતા. તેમની ટ્રાવેલ કંપની 2013 માં તાજ ગ્રુપ ઑફ હોટેલ્સની તાજ સર્વિસીસની સાથે મર્જ થઈ છે. મોહિની મોહન દત્તા પરિવારનો સ્ટેલિયનમાં હિસ્સો 80% છે જ્યારે બાકીનો ૨૦ ટકા હિસ્સો તાતા ઇન્ડસ્ટ્રીઝ પાસે છે. દત્તા થોમસ કુક સાથે સંકળાયેલી એક મોટી કંપની ટીસી ટ્રાવેલ સર્વિસીસના ડિરેક્ટર રહી ચૂક્યા છે. મોહિની મોહન દત્તા રતન તાતાના સહયોગી હતા અને તેમના પારિવારિક વર્તુળમાં જાણીતા હતા, પણ રતન તાતાના આ પગલાંએ બધાને વિચારવામાં મજબૂર કરી દીધા છે કે દત્તા અને તાતા વચ્ચે નો સંબંધ કેટલો ઊંડો હતો. મોહિની મોહન દત્તા પોતાને રતન તાતાના પરિવારના સભ્યોની નજીક ગણાવતા હતા. એમ પણ જાણવા મળ્યું હતું કે રતન તાતા જ્યારે 24 વર્ષના હતા ત્યારે જમશેદપૂરમાં ડિલર્સ હોસ્ટેલમાં તેમની મુલાકાત થઇ હતી. તેઓ 60 વર્ષથી એકબીજાને ઓળખતા હતા. મોહિની મોહન દત્તા હંમેશા કહે છે કે રતન તાતાએ જ તેમને ઘડ્યા છે.
મોહિની મોહન દત્તા તાતા પરિવારના સભ્ય નથી આ કારણે પણ તેમના નામની ચર્ચા થઈ રહી છે. અત્યાર સુધી મોહિની દત્તા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી કે રતન તાતાના પરિવાર કે નજીકના લોકો દ્વારા પણ કંઈક કહેવામાં આવ્યું નથી. વસિયતનામામાં રહેલી મિલકતનું વિતરણ હાઇકોર્ટ દ્વારા પ્રમાણપત્ર મળ્યા પછી જ થઈ શકે છે અને આ પ્રક્રિયા પૂર્ણ થવામાં છ મહિના જેટલો સમય લાગી શકે છે.

LEAVE A REPLY