અમેરિકામાં રિપબ્લિકન પાર્ટી તરફથી વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર જેડી વેન્સ તેમની ભારતીય મૂળની પત્ની ઉષા ચિલુકુરી સાથે (Photo by Anna Moneymaker/Getty Images)

ડોનાલ્ડ ટ્રમ્પે  જેડી વેન્સને વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. જેડી વેન્સે ભારતીય મૂળના વકીલ ઉષા ચિલુકુરી વેન્સ સાથે લગ્ન કરેલા છે. યેલ યુનિવર્સિટીમાં બંને સાથે અભ્યાસ કરતાં હતાં. ઉષા ચિલુકુરીએ ગ્રુપ ડિસ્ક્શનનું આયોજન કરવામાં મદદ કરી હતી. આ સમય દરમિયાન બંને નજીક આવ્યા હતાં અને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતાં. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ આખરે આ કપલે 2014માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. એવું કહેવાય છે કે એક હિન્દુ પંડિતે આ લગ્ન સંપન્ન કર્યા હતાં. આ કપલને ત્રણ બાળકો છે, જેમના નામ ઈવાન, વિવેક અને મીરાબેલ છે.

ઉષા ચિલુકુરી વેન્સ હંમેશા પોતાની જાતને લો પ્રોફાઇલ રાખે છે. તેઓ ભાગ્યે જ રાજકીય મેળાવડામાં ભાગ લે છે. ઉષા સાન ફ્રાન્સિસ્કો અને વોશિંગ્ટન ડીસીમાં વકીલ તરીકે કામ કરે છે. આ સાથે તેમણે યુએસ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન જી. રોબર્ટ્સ જુનિયર તેમજ જજ બ્રેટ કેવના અને જજ અમૂલ થાપર માટે ક્લાર્ક તરીકે પણ કામ કર્યું છે.

જેડી વેન્સે 2016માં તેમનું સંસ્મરણ “હિલબિલી એલિગી” પ્રકાશિત કર્યું ત્યારે તેઓ પ્રખ્યાત બન્યાં હતા. આ પછી તેમણે ફરીથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને વર્ષ 2022માં સેનેટમાં ચૂંટાયા હતાં. આ પછી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના “મેક અમેરિકા ગ્રેટ અગેઈન” એજન્ડાને જોરદાર સમર્થન આપ્યું હતું.

 

LEAVE A REPLY